1000 Years Old Temple: સરકાર દ્વારા ઐતિહાસિક ધરોહરોના વિકાસ માટે કરોડોનું આંધણ કરાયું પરંતુ ભરૂચ જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા ધાર્મિક સ્થળો વિકાસથી વંચિત રહ્યા છે. આવું જ એક અંદાજે ૧૦૦૦ વર્ષ પુરાણું ખોડિયાર મંદિર ભરૂચમાં આવેલું છે.
આહીર સમાજના કુળદેવી ખોડિયાર માતાનું પૌરાણિક મંદિર
ઐતિહાસિક ધરોહર સમા મંદિરની જાળવણી કરવામાં તંત્ર ઉદાસીન બનતા ખોડિયાર માતાના પૌરાણિક મંદિરની આસપાસનો વિસ્તાર ખંડેર બન્યો છે. ભરૂચના જૂના સિવિલ હોસ્પિટલની પાસે ક્રૂરજા બંદર સ્થિત ટાવર નજીક ખોડિયાર માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. એક હજાર વર્ષ પહેલા આ વિસ્તારમાં આહીર સમાજ અને ભરવાડ સમાજના ૧૫૦૦ પરિવાર વસતા હતાં. એક લોકવાયકા મુજબ જુનાગઢના રાજાના પુત્ર રા’નવઘણે તેમની કુળદેવી ખોડિયાર માતાની કૃપાથી ભરૂચના દુર્ગના કાનમેલ કોઠા ઉપરથી પથ્થરનો વજનદાર દડો કુદાવી દીધો હતો. જે પ્રસંગની કાયમ યાદ જાળવવા નવઘણે દુર્ગની અંદર સાત બહેનો સાથે ખોડિયાર માતાજીની સ્થાપના કરી હતી.
1000 Years Old Temple: જૂનાગઢના રાજાના પુત્ર દ્વારા 1161માં મંદિરની સ્થાપના થઈ
આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ, તલવાર અને સાથે સદીઓ જૂનો પથ્થરનો દડો તેમજ રા’નવઘણના નામની તક્તી જોવા મળે છે, જેના ઉપર મંદિરની સ્થાપના સંવત ૧૧૬૧માં થઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમજ એવી પણ લોકવાયકા છે કે તે સમયના રાજાએ જૂનાગઢ જવા ટૂંકા રસ્તા માટે મંદિરમાંથી એક ભોંયરું બનાવ્યું હતું. જે આજે પણ હયાત છે. આ ભોયરાના પ્રવેશ દ્વાર પર મહાદેવની સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
આસ્થાના કેન્દ્ર એવા મંદિરના વિકાસ માટે સરકાર સમક્ષ માંગ
ભરૂચના માલધારી સમાજના આગેવાન ઝીણા ભરવાડે મંદિર વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. આ મંદિર આજે પણ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાના દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ સરકારી જાળવણીમાં ઉણું ઉતર્યું છે. જેના કારણે આજે મંદિર અને આસપાસનો વિસ્તાર ખંડેર બની ગયો છે. ત્યારે આ મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે માગ કરાઈ રહી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: