સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નો વર્કશોપ યોજાયો
સમાજમાં દીકરો-દીકરી એકસમાન ગણીશું તો જ સ્ત્રીઓનો સામાજિક અને આર્થિક વિકાસ થશેઃ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ
ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી (પીએનડીટી) અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નો વર્કશોપ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
જિલ્લા પંચાયતના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા વર્કશોપમાં પ્રમુખએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રુણ હત્યા અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં હરિયાણાના પાણીપત શહેરથી ‘બેટી બચાવો, બેટી બેટી પઢાવો’ યોજના શરૂ કરી હતી. સમાજમાં દીકરો-દીકરી એકસમાન ગણીશુ તો જ સ્ત્રીઓનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. સૌએ સાથે રહીને સ્ત્રી ભૃણ હત્યા અટકે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષતા દરિયાબેન વસાવાએ જણાવ્યું કે, પોતાના ઘરમાં દિવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દિવો કરે તે દીકરી. દીકરો એક કુળ તારે છે. જયારે દીકરી તો ત્રણ કુળ તારે છે. દીકરી પિતાનું, મામાનુ તેમજ ૫તિનું એમ ત્રણ કુળની લાજ રાખે છે. જેથી સ્ત્રી જન્મદર વધે તેવા પ્રયાસો હાથ ધરવાની હિમાયત કરી હતી.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી સ્ત્રીશક્તિનું પૂજન અને અર્ચન થાય છે. ૧૮મી સદીમાં બાળલગ્ન વિવાહ, સતી પ્રથા જેવા કુરિવાજોને નાબુદ કરવા માટે રાજા રામમોહનરાય જેવા પુરૂષોએ આહલેક જગાવી હતી. દીકરી દીકરો સમાન ગણી સમાજમાં મોભાનું સ્થાન આપવાનો સંકલ્પ લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અમલમાં છે. ૨૦૨૩ના વર્ષમાં સુરત જિલ્લામાં એક હજાર દીકરાઓએ દીકરીઓની સંખ્યાના છેલ્લા ત્રણ વર્ષના આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, કોર્પોરેશન વિસ્તારમાં ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩ના વર્ષમાં અનુક્રમે ૮૫૨, ૮૫૪ અને ૮૪૧ હતી. જયારે જિલ્લામાં દીકરીઓના જન્મદરનું પ્રમાણમાં ૯૧૬, ૯૨૯ અને ૯૧૦ રહ્યું છે. જેથી વધુમાં વધુ દીકરીઓના જન્મદરનું પ્રમાણ વધે તે માટે જનજાગૃતિ સહિત સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેટ ઓફ વુમન (DHEW) સુરતના જેન્ડર સ્પેશ્યાલીસ્ટ મહેશ પરમારે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના વિષે વિગતો આપી મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યરત યોજનાઓ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વિધવા પુન:લગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના, તેમજ મહિલા બાળ અધિકારી કચેરી સંચાલિત સેન્ટરોમાં સ્ટોપ સખી સેંટર, પોલીસ બેઇઝ સપોર્ટ સેંટર નારી સંરક્ષણ ગૃહ સંરક્ષણની વિગતો આપી હતી.
આ વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશન પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ તથા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.