દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. પરિવારનો સંગીત અને નાટકની વિજેતા કૃતિઓનો ‘વીનર શો’ યોજાયો
સમગ્ર રાજયમાં આયોજીત સંગીત અને એકાંકી નાટય સ્પર્ધામાં દ.ગુ.વિ.કંપનીની વિવિધ સર્કલ અને કોર્પોરેટ ઓફિસની ટીમોએ ૧૭ ઈનામો મેળવ્યા
તાજેતરમાં જાન્યુઆરી’૨૪ના પ્રથમ સપ્તાહમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા આયોજિત સમગ્ર ગુજરાત કક્ષાની ઈંટરસર્કલ-પાવરસ્ટેશન સંગીત અને એકાંકી નાટ્ય સ્પર્ધા જામનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં વિવિધ સર્કલ અને કોર્પોરેટ ઓફિસની ટીમોએ ઉત્કૃષ્ઠ દેખાવ રજૂ કરી કુલ ૧૭ ઇનામો પ્રાપ્ત કરી જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.
ગુજરાત કક્ષાની બૃહદ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ સિદ્ધિઓ મેળવેલ કલાકાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તા.૨૩/૦૧/૨૦૨૪નાં રોજ જીવનભારતી રંગભવન, નાનપુરા, સુરત ખાતે ડીજીવીસીએલ દ્વારા એક સુંદર ‘વીનર શો’નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ડીજીવીસીએલનાં મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ કલાનું જીવનમાં મહત્વ સમજાવતા કહ્યું હતું કે, દરેક વ્યક્તિઓમાં કોઈ કળા છુપાયેલી હોય છે અને પ્રત્યેક કળા એ આપણાં આત્માને સ્પર્શતી હોય છે. કલાકાર એક્ટિંગ કરતી વખતે તેમાં તન્મય થઈને ખોવાઈ જતા હોય છે. સ્થળ કે સમયને પણ ભૂલી જતો હોય છે. આ એક અલગ અને અદ્ભૂત અનુભવ હોય છે. એમને એક અંગ્રેજી ફિલ્મ ‘ડેડ પોએટ્સ સોસાયટી’ નો ડાયલોગ ટાંકતા કહ્યું કે આપણે કવિતા એટલા માટે નથી વાંચતાં કે લખતાં કે, એ સુંદર છે, પરંતુ એટલા માટે વાંચીએ કે લખીએ છીએ કે આપણે માણસ છીએ. જીવનમાં રોજીંદી બાબતો, વ્યવસાય જરૂરી હોય છે, પરંતુ સંગીત, કળા, પ્રેમ, કાવ્ય એવી બાબતો છે કે, જેના માટે આપણે જીવીએ છીએ.
એકાંકી નાટ્યસ્પર્ધામાં સમગ્ર ગુજરાતની ૧૯ કૃતિઓમાંથી પ્રથમ ત્રણેય વિજેતા ઈનામો ડીજીવીસીએલની ટીમોને મળ્યા હતા. ડો.સ્વાતિબેન નાયક લિખિત કોર્પોરેટ ઓફિસ, સુરત નાનાટક ‘પડઘાનાં પ્રતિબિંબ’ને શ્રેષ્ઠ નાટકનું પ્રથમ ઈનામ મળેલ છે. આ નાટકના દિગ્દર્શક ઉમેશ નાયકને શ્રેષ્ઠ દિગ્દર્શકનું ઈનામ મળેલ છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ અભિનેત્રીનાંપ્રથમ અને દ્વિતીય ઈનામો અનુક્રમે માલતીબેન શાહ અને પારૂલબેન દલાલને તથા સ્ટેજ સજાવટનું ઈનામ મહેશ મહિસુરીને મેળવ્યું છે.
ડોં.સ્વાતિબેન નાયક લિખિત સુરત રૂરલ સર્કલની ટીમના નાટક ‘પ્રિય ઝાકળ… લિ. આદિત્ય’ને શ્રેષ્ઠ નાટકનું દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું હતું. આ નાટકની અભિનેત્રી પ્રિયંકાબેન મૈસૂરિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનું તૃતીય ઈનામ તથા ચિરાગ મોદીને શ્રેષ્ઠ સંગીત સંચાલન અને ડો. સ્વાતિબેન નાયકને શ્રેષ્ઠ સ્ક્રીપ્ટનાં ઈનામો પ્રાપ્ત થયું હતું. સુરત સીટી સર્કલની ટીમના પ્રો. જ્યોતિ વૈદ્ય લિખિત નાટક ‘બંધ દરવાજા’ને શ્રેષ્ઠ નાટકનું તૃતીય ઈનામ મળ્યુ હતું. આમ, નાટ્યસ્પર્ધામાં ડીજીવીસીએલને કુલ દસ (૧૦) ઈનામો મળ્યા હતા
નોંધનીય છે કે, સંગીત સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં કુલ સાત (૭) ઈનામો ડીજીવીસીએલની ટીમને મળ્યા હતા. જેમાં હળવું કંઠ્ય સ્પર્ધામાં નિતાબેન પટેલને તૃતીય, લોકગીત સ્પર્ધામાં રંજનબેન લીંબચીયાને દ્વિતીય, વાદ્યસંગીતની સ્પર્ધામાં કુ. હેતલ ચુડાસમાને પ્રથમ અને ધર્મેશ પટેલને તૃતીય તથા ભજન અને ગઝલ સ્પર્ધામાં અનુક્રમે મહેશભાઇ મહિસુરી અને ઉમેશ નાયકને આશ્વાસન ઈનામો મળ્યા હતા. સમૂહગીત સ્પર્ધામાં સુરત રૂરલ સર્કલની ટીમને ‘સુરતનો એવો વરસાદ’ ગીત માટે તૃતીય ઈનામ મળ્યું હતું.
જેમાં, નાટકો અને સંગીતની સર્વ વિજેતા કૃતિઓની રજૂઆત સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અન્ય ઉચ્ચ અધિકારીઓ, કલાકારોનાં પરિવારો તથા અન્ય ઉપસ્થિત મહેમાનો અને કલાચાહક કર્મચારીવૃંદ સમક્ષ કરવામાં આવી. સમગ્ર રજૂઆતોને ઉપસ્થિત સૌ દ્વારા સુંદર પ્રતિસાદ અને ભારોભાર પ્રસંશા મળી છે.