Campaign For Helping Injured Birds : ખાસ તકેદારી રાખવી એ આપણા સૌ ની જવાબદારી છે
- ઉત્તરાયણના તહેવારમાં ઈજાગ્રસ્ત પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દુરથી પક્ષીનું થોડા સમય માટે નીરિક્ષણ કરો.
- પાંખ લબડવી, લોહી નીકળવું, ડોક નમી જવી, પગ ઉપર વજન ન મુકવું વગેરે ચિહ્નો પરથી પક્ષીની સ્થિતિનો કયાસ કાઢી શકાય છે.
- કુદરતમાં, ખુલ્લા આકાશમાં મુક્તપણે વિહરતા પક્ષીઓ મનુષ્યથી દુર રહેતા હોય, માનવના સંપર્કમાં આવે ત્યારે ખુબ જ પરેશાન થાય છે અને આઘાત અનુભવે છે.
- તા.૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે આપણે હોંશે હોંશે પતંગ તો ફરકાવતા હોઈએ છીએ પરંતુ પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બને છે.
- પક્ષીઓ, મનુષ્યોને ઈજા સહિત અનેક હાનિઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવી એ પણ આપણા સૌ કોઈની જવાબદારી બને છે.
Campaign For Helping Injured Birds : ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ
- મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સાર-સંભાળ માટે આટલુ કરીએ એ જરૂરી છે.
- બચાવ કાર્યમાં પણ પક્ષીને ગમે તેવી ઈજા થયેલ હોય તો પણ તેની પ્રકૃતિ મુજબ પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે.
- પક્ષીને પોતાનો બચાવ કરવા સામાન્ય રીતે ચાંચ મારવી, પગના પંજાના નખ ભરવા અને પાંખો ફફડાવતા હોય છે.
- જેથી ઈજા ન થાય તે માટે સજાગ રહો. જળચર પક્ષી અણીદાર ચાંચ દ્વારા આંખ ફોડી શકે છે. માટે તેની ડોક બરાબર પકડો.
- શિકારી પક્ષીને પકડવા હાથમાં મજબૂત મોજા પહેરવાથી નહોરની ઈજામાંથી બચી શકાય છે. મોટાભાગના પક્ષીને સમાન રીતે પકડી શકાય છે.
- માથા અને શરીર પર જાડું કપડું નાખી ઢાકી દઈને રેસ્ક્યુ કરો. પક્ષીના કદ મુજબ કપડું પાતળું કે જાડું વાપરી શકાય.
- પક્ષીને ગમે તેવી ચપળતાથી અને આરામથી રેસ્કયુ કરવામાં આવે તો પણ આઘાત અનુભવે છે. પક્ષીને એક બે પ્રયત્નોમાં ન પકડી શકાય ત્યારે અનુભવી અને જાણકારની મદદ લો.
- પક્ષી બચાવમાં જેમ સમય વધુ લાગે તેમ પક્ષીની પરિસ્થિતિ વધુ બગડે છે. પક્ષીને પકડવા પાછળ ન દોડો.
ઈજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી ની સારવાર
- ઈજાગ્રસ્ત પક્ષીને પકડયા પછી તળીયે કપડું પાથરેલ અને કાણા પાડેલ પૂંઠાના ખોખા કે પ્લાસ્ટીકના બોકસમાં રાખો.
- ખોખું કે બાસ્કેટ ખુલ્લું ન રાખતા કપડાથી ત્રણેય બાજુએથી આવરી લો અને ઉપરના ભાગે ટુવાલથી ઢાંકી દો.
- ઈજાગ્રસ્ત પક્ષી સામાન્યથી ગંભીર આઘાતમાં હોય છે.જેથી પક્ષીને શાંત અને અંધારી જગ્યામાં રાખો. પક્ષીના શરીર પર હાથ ફેરવીને કે પંપાળીને ધરપત આપવાનો પ્રયત્ન ન કરો.
- પક્ષીને બિનજરૂરી સ્પર્શ કરવાનો કે જોવાનો પ્રયત્ન ન કરો. આ હરકત આઘાતમાં વધારો કરે છે. બહારનો અવાજ, ધુમ્રપાનનો ધુમાડો અને અત્તરની સુગંધ પક્ષી માટે યોગ્ય નથી.
- ઈજાગ્રસ્ત પક્ષીની આજુબાજુનું વાતાવરણ ૮૦-૯૦ ફે.ગરમ રાખવું જરૂરી છે. પક્ષીને ગરમી લાગે ત્યારે પાંખો ખોલી શરીરથી દૂર રાખે છે અને હાંફે છે.
- જયારે ઠંડી અનુભવે ત્યારે શરીર સંકોચીને બેસે છે. પાંજરાની બાજુ પર ૬૦-૧૦૦ વોટનો ઈલેકટ્રીક બલ્બ રાખવાથી પક્ષીને તકલીફ વગર હુફાળું વાતાવરણ પૂરું પાડી શકાય છે.
- બીમાર પક્ષીને રહેઠાણમાં પૂરતો ગરમાવો મળે તો શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેમજ શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.
- પતંગના દોરાથી પક્ષીને સામાન્ય રીતે પગ કે પાંખ ભાંગી જવી, પાંખ કે ચાંચ કપાવી, પાંખ, જીભ કે ડોક પર કાપો પડવો એ મુખ્ય ઈજા હોય છે.
- ઈજાગ્રસ્ત પક્ષીને અઘાતમાંથી બહાર લાવવું એ સૌ પ્રથમ પ્રાથમિકતા હોય છે. તેને આઘાતમાંથી બહાર આવવા ૨-૩ કલાકનો સમય આપો.
- પક્ષીનું ઢળી પડવું, ડોક આડી નાખી દેવી, આંખ અર્ધ બિડેલ રાખવી, શ્વાસોશ્વાસ વધી જવા એ પક્ષી આઘાતમાં હોવાના ચિહ્નો છે.
- ઈજા અને આઘાતમાં સરી પડેલ પક્ષીના પરિવહન માટે સામાન્ય કાળજી લેવામાં આવે તો પણ પક્ષીને ઘણી રાહત રહે છે.
સારવારની સગવડ હોય ત્યાં લઈ જાવ/સોંપો
- પક્ષીને કયારેય ખુલ્લુ કે હાથમાં પકડીને ન લઈ જાઓ. પક્ષીને પાંજરા કે બોકસમાં લઈ જવું જોઈએ. પૂઠાનું કાણા પાડેલ ખોખું કે પ્લાસ્ટીકનું બાસ્કેટ પક્ષીને રાખવા ઉપયોગ કરી શકાય.
- પાંજરાને કપડાથી ઢાંકો.જેનાથી પક્ષીને વાતાવરણ સામે રક્ષણ મળે છે.એકાંત આપે છે. દ્રષ્ટી સિમિત રાખે છે. જેથી તણાવ ઓછો ઉદભવે છે.
- વાહન કાળજીથી ચલાવો. એકદમ વળાંક લેવાનું ટાળો. પરિવહન દરમિયાન બિનજરૂરી ઘોંઘાટ ન કરો. ઋતુ મુજબ એસી કે હિટર ચાલુ રાખો.
- પક્ષીને આરામદાયક સ્થિતિમાં રાખવાથી સાજુ થવાની તક વધે છે. પૂરતી જાણકારી વગર સારવાર આપવાનો પ્રયત્ન ન કરો.
- પક્ષીની સારવાર ખાસ કાળજી માંગી લે છે. ડોકટરી સારવારની સગવડ હોય ત્યાં લઈ જાવ/સોંપો. પક્ષીને ઘરે રાખવાનો પ્રયત્ન ન કરો.
- જુદા જુદા પક્ષીની ખાસિયત, ખોરાક અને જરૂરિયાત અલગ અલગ હોય છે. પક્ષીની સારવાર માટે ક્યારેય ઉતાવળ ન કરો.
- માત્ર લોહીનો સ્ત્રાવ બંધ કરવા પક્ષીને તત્કાલ સારવારની જરૂર હોય છે. લોહીનો સ્ત્રાવ ચાલું હોય તો આંગળીના ટેરવાથી કે રુ કે કપડાનું પૂમડું મુકી દબાવવાથી બંધ થઈ જાય છે.
- પક્ષીની લોહી ગંઠાવાની શક્તિ ખુબ જ વિશેષ હોય છે. ચામડી પરના કાપમાંથી આવતું લોહી સામાન્ય રીતે પોતાની મેળે બંધ થઈ જતું હોય છે.
- તૂટી ગયેલ પીછામાંથી નીકળતું લોહી બંધ કરવા પીછાને મુળમાંથી ખેંચવું જરૂરી બને છે. પક્ષીનું હલન ચલન લોહીનો સ્રાવ વધારે છે.
- ચાંચ અને નહોર કપાવાથી લોહીનો વિશેષ સ્ત્રાવ થતો હોય છે. રુનું પૂમડુ ૧ મિનિટ પૂરતું દબાવી રાખવાથી બંધ થઈ જાય છે.
પક્ષીઓને બચાવવાના કરૂણા અભિયાનમાં સહભાગી બનીએ
- બાહ્ય ઈજા ન હોય પરંતુ બેભાન હોય તેવા પક્ષીને મોટેભાગે નીચે પટકાવા સમયે માથામા ઈજા થયેલ હોય છે.
- આવા પક્ષીને એકાંતમાં, શાંત અને હુફાળા વાતવરણમાં રાખો. પક્ષીના શરીર પર વિંટળાયેલ દોરાની ગુંચ ઉકેલવા કરતાં નાની કાતરથી કાપીને દૂર કરો.
- પતંગના દોરાથી ઈજાનો ભોગ બનનાર પક્ષીમાં સામાન્ય રીતે કબૂતર, હોલો, પોપટ, કાગડા, કાંકણ, બગલા, ઘુવડ, સમડી, કોયલ મુખ્ય હોય છે.
- ઈજાગ્રસ્ત પક્ષી ખોરાક કે પાણી લેતું હોતું નથી. પક્ષીને ખોરાક કે પાણી આપવા અધીરા ન બનો. પક્ષી ઉડવા સક્ષમ બને ત્યારે ફરી કુદરતમાં મુક્ત કરો.
- આવો, આપણે સૌ કોઈ સાથે મળીને ઘાયલ પક્ષીઓને બચાવવાના કરૂણા અભિયાનમાં સહભાગી બનીએ.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :