કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં વિનસ હોસ્પિટલ – લાલ દરવાજા ખાતે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત
DBT – ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો સીધા લાભાર્થીઓને મળી રહ્યા છે: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી
મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિ
લાભાર્થીઓ સાથે મંત્રીએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી લાલ દરવાજા-વિનસ હોસ્પિટલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ શહેરીજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે, સમર્થ યોજનામાં ટેક્સટાઈલ ક્ષેત્રે મહિલાઓને ઘર બેઠા જ રોજગારીની તકો અને તાલીમ આપવામાં આવી રહી છે. વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. મધ્યમવર્ગીય પરિવારોને સંકટ સમયે પીએમ સ્વનિધી યોજના આર્થિક પીઠબળ પુરૂ પાડી રહી છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને મફત અનાજ મળી રહ્યું છે. કર્તવ્યકાળમાં સુરત રેલ્વે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત મલ્ટી મોડલ હબ બનશે. આ સાથે દેશના ખેડૂતોને કિશાન સન્માન નિધિ મારફતે, નમો ડ્રોન દીદી દ્વારા બહેનોને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામા આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારતની નેમ વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા હાંસલ કરી શકાય છે. ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશના ઉદ્દેશના હાંસલ કરવા તરફના નોંધપાત્ર પગલામાં સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અમલી થવાથી સરકારની દરેક યોજનાના લાભો લાભાર્થીઓને સીધા જ મળી રહ્યા છે. દેશના વિકાસ માટે સો ટકા સેચ્યુરેશન પોઈન્ટ સુધી યોજનાકીય લાભો મળે એવા પ્રયાસોની વિગતો આપી તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા મહિલા, યુવાઓ, બાળકો અને ખેડૂતોના જીવનમાં પરિવર્તન થવાનો શુભારંભ થઈ રહ્યો છે એમ જણાવ્યુ્ં હતું.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી જનઆરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજનામાં વિકસિત ભારતનું પ્રતિબિંબ દેખાય છે. મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક પીઠબળ પુરુ પાડવા વગર વ્યાજ અને વગર ગેરંટીની સ્વનિધી યોજના અમલી બનાવી છે. નવા ભારતના નિર્માણમાં મહિલાઓને ઘુમાડાથી મુક્તિ અપાવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભથી મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ પોષણ અભિયાન, પી.એમ. કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, ખેલો ઇન્ડિયા, આરસીએસ: ઉડાન, વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત સ્ટેશન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ બલર, કોર્પોરેટર સર્વ કિશોરભાઈ મેયાણી, રાકેશભાઈ માલી, હેમલતાબેન, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન સોનલબેન દેસાઈ, મનપાના અધિકારીઓ-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ, પ્રા.શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓ સહિત શહેરીજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.