HomeBusinessSelection in AIIMS/સુરતના ૭ નર્સિંગના વિદ્યાર્થીઓની એઈમ્સમાં પસંદગી/INDIA NEWS GUJARAT

Selection in AIIMS/સુરતના ૭ નર્સિંગના વિદ્યાર્થીઓની એઈમ્સમાં પસંદગી/INDIA NEWS GUJARAT

Date:

સુરતના ૭ નર્સિંગના વિદ્યાર્થીઓની એઈમ્સમાં પસંદગી

રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ:

નવસારી સાંસદ સી.આર.પાટીલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સમાજ સેવા-દેશ સેવામાં સમર્પિત થવા આહ્વાન કર્યું હતું

સરકારી નર્સિંગ કોલેજ-સુરત માંથી ૩૦થી વધુ વિદ્યાર્થીઓ દેશભરની વિવિધ એઈમ્સમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે

તા.૦૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET (નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા એકસૂરે કહ્યું કે “કોવિડના કપરા કાળમાં જે રીતે નવી સિવિલમાં સેવા આપી હતી, એ જ રીતે એઈમ્સમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીશું. લોકોની સેવા માટે હરહંમેશ તત્પર રહીશું” ફરજ પર હાજર રહી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવનાર આ વિદ્યાર્થીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો હતો. આ સાત વિદ્યાર્થીઓ હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી ૧૮ એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે.


નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તબીબી ક્ષેત્રે નર્સિંગમાં કેરિયર બનાવવામાં સુરત શહેર હવે અગ્રેસર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશભરની એઈમ્સમાં ગુજરાતમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ નર્સિંગ ઓફિસર તરીકે સિલેક્ટ થયા છે. દેશમાં વર્ષ ૨૦૧૪ પછી એઈમ્સની સંખ્યા વધવાની સાથે નર્સિંગ ઓફિસર તરીકે સીધી ભરતી કરવામાં આવી રહી છે. NORCET પરીક્ષામાં પસંદગી પામેલા સુરતના વિદ્યાર્થીઓમાંથી સાત વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. જે આપણા માટે ગૌરવની વાત છે કે, સુરતની સરકારી નર્સિંગ કોલેજના ૭ વિદ્યાર્થીઓ પૈકી ૬ દિકરીઓનું એઈમ્સમાં નર્સિંગ ઓફિસર તરીકે સિલેક્શન થવાથી મહિલા સશક્તિકરણ વેગ મળ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે આ અંગે માહિતી આપતા કહ્યું કે, સરકારી નર્સિંગ કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ છે એ વાતને આ વિદ્યાર્થીઓએ સાબિત કરી છે. પરીક્ષાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી મદદ અને સહકાર આપ્યો છે. આ નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે અને કોલેજ તથા પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્નો હરહંમેશ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.


સુરત સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનું AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્ટ થવા બદલ નવસારી સાંસદ સી.આર.પાટીલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સમાજ સેવા-દેશ સેવામાં સમર્પિત થવા આહ્વાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરમાંથી કુલ એક લાખ ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ NORCETની પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૫૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, જામનગર, મોરબી અને ભાવનગરના મળી કુલ ૭૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જે પૈકી સુરતના ૭ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. તેઓ ભોપાલ, પટના, જોધપુર અને હૈદરાબાદ એઈમ્સમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવશે. સુરતના ૭ વિદ્યાર્થીઓ પૈકી ૬ વિદ્યાર્થીનીઓની પસંદગી થઈ છે.
આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, ડો.કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, જગદિશ બુહા, પ્રો. સ્મિતલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories