મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ: યાત્રાના રથનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું ભવ્ય સ્વાગત
સૌના સપનાઓ સાકાર કરવા માટે મોદીજીની ગેરન્ટીરૂપી યોજનાઓ ઘર આંગણે પહોંચી રહી છે: ગૃહ રાજ્યમંત્રી
સંકલ્પ યાત્રાનો રથ અંત્યોદયના ધ્યેય સાથે, વંચિત લોકો સુધી યોજનાના લાભો પહોચાડી રહ્યો છે: શિક્ષણ રાજ્યમંત્રી
મંત્રીઓના હસ્તે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોનુ વિતરણ કરાયું
ન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી સુરત શહેરના મોટા વરાછા એ.બી.સી.સર્કલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જયાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ગામડાઓથી લઈ શહેરોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. સૌના સપનાઓ સાકાર કરવા માટે મોદીજીની ગેરન્ટીરૂપી યોજનાઓ ઘર આંગણે પહોંચી રહી છે. શહેરમાં ટુંકા સમયમાં ૨૭ હજારથી વધુ લોકોએ યોજનાઓના લાભો મેળવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, અગાઉના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગંભીર બિમારીની સારવાર માટે વર્ષોની બચત વપરાઈ જતી હતી, પરંતુ આજે આયુષ્માન ભારત યોજના હેઠળ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના લાખોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે. મંત્રીએ ઉજ્જવલા યોજના તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેમણે મેળવેલા લાભોની વિગતો મેળવી હતી. સુરત શહેરમાં મેટ્રો ટ્રેન, ડુમસ બીચ, બુલેટ ટ્રેન જેવા મહાકાય પ્રોજેક્ટ સાકારિત થવાથી સુરત વિકાસની નવી ઉચાઈઓ સુધી પહોચશે તેમ ઉમેર્યું હતું.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દેશની વિવિધ ભાષા, સંસ્કૃતિ અને ધર્મોની વચ્ચે એક ભારત શ્રેષ્ઠ ભારતના સુત્ર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અંત્યોદયના ધ્યેય સાથે, વંચિત લોકો સુધી યોજનાના લાભો પહોચાડી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી આયુષ્માન યોજના થકી હજારો નાગરિકોના હૃદયરોગ, ડાયાલિસિસથી લઈને અનેક ગંભીર રોગોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેરન્ટીરૂપી રથ ઘર ઘર સુધી પહોંચી લાભો આપી રહ્યો છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રા એ મોદી સરકારની ગેરંટી છે કે, સૌને ઘર, સૌને ઉજ્જવલા હેઠળ ગેસ કનેક્શન, સૌને માટે આરોગ્ય, પાણી સહિત જન જન સુધી યોજનાઓના લાભ પહોચાડવા સરકાર મક્કમ છે.આ યાત્રામાં સૌ જોડાય અને મહત્તમ લાભો મેળવવાનો અનુરોધ કર્યો હતો.
આ વેળાએ વિકસિત યાત્રાના રથ દ્રારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાનના વિડીયો સંદેશનું પ્રસારણ કરાયું હતું.
આ અવસરે મંત્રીઓના હસ્તે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.તથા વિવિધ સ્ટોલ દ્રારા લોકોએ યોજનાઓના લાભો લિધો હતો.
આ પ્રસંગે પુર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, પુર્વ ડે.મેયર દિનેશ જોધાણી, અગ્રણી આર. કે. લાઠિયા, મનુભાઈ બલર, રાજેશભાઇ મોરડિયા સહિત મહાનગર પાલિકા તથા વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.