‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’
ઓલપાડ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ને ખુલ્લો મુકતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
૫ ખેડૂતોને બાગાયતી યોજનાઓના રૂ.૧.૮૮ લાખના પેમેન્ટ ઓર્ડર અર્પણ કરાયાઃ
બેસ્ટ આત્મા ખેડૂતનો રૂ.૧૦ હજારનો એવોર્ડ, ૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મનો મંજુરી તેમજ ૮ ખેડૂતોને ખેતીવાડીના વિવિધ સાધનોની સહાય માટેનો મંજૂરી પત્ર એનાયત
મહાનુભાવોના હસ્તે મિલેટ્સ માંથી બનતી વાનગીઓની પુસ્તિકાનું વિમોચન
રાજયના ખેડુતોને કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડુતલક્ષી યોજનાઓ અંગેની માહિતી આપવાના હેતુસર ઓલપાડ તાલુકા મથકે ખુંટાઈમાતા મંદિર ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકાયો હતો. જેમાં વિવિધ ૨૦થી વધુ સ્ટોલ દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશો, રસાયણ વિનાની દવાઓ, આયુર્વેદિક પદ્ધતિથી નિદાન અને સારવાર તેમજ ખેતરમાં વપરાતા વિવિધ સાધનોની માહિતી આપતા સ્ટોલ દ્વારા પ્રદર્શન યોજાયું હતું.
આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૦૫-‘૦૬માં આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલા રવિ કૃષિ મહોત્સવને પરિણામે રાજયભરના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. વિવિધ ખેતપેદાશો અને તેની સમસ્યાના નિવારણ માટે વૈજ્ઞાનિકો દ્વારા અપાતા સૂક્ષ્મ માર્ગદર્શનને કારણે ખેડૂતો ઉત્તમ ગુણવત્તા વાળો પાક મેળવી શકે છે.
લોકોમાં વધતા તણાવ અને બિમારીઓ માટે જવાબદાર રાસાયણિક ખેતીને નાથવા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા સરકારની કટિબદ્ધતા દર્શાવતા તેમણે જણાવ્યું કે, કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને વિવિધ હિતકારી યોજનાઓ વિષે માહિતગાર કરી તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે જ લોકોને પણ પ્રાકૃતિક ખેતપેદાશોની સ્વાસ્થય પર થતી હકારાત્મક અસર વિષે માહિતગાર કરી રસાયણ મુક્ત ખેત પેદાશોનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, વૈજ્ઞાનિકો દ્વારા સતત કરાતા સંશોધનને પરિણામે ખેતીમાં આવતી વિષમતાઓને દૂર કરવામાં ધણી અંશે સફળતાઓ મળી છે.
ખેડૂતો પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને ટપક સિંચાઇ પધ્ધતિથી ખેતી કરતા થાય તે માટેનો અનુરોધ તેમણે કર્યો હતો. સાથે જ ટપક સિંચાઇ પદ્ધતિ માટેની યોજનામાં મળતી સબસિડી અને આ પદ્ધતિ માટે ૨૪ કલાક મળતી વીજળી અંગે માહિતી અને ફાયદાઓની વિગતો આપી હતી.
રવિ કૃષિ મહોત્સવના શુભારંભ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ૮ ખેડૂતોને ખેતીવાડીના વિવિધ સાધનોની સહાય આપતો મંજૂરી પત્ર, ૫ ખેડૂતોને બાગાયતી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય યોજનાના રૂ.૧.૮૮ લાખના પેમેન્ટ ઓર્ડર એનાયત કરાયા હતા. તેમજ ઓલપાડ તાલુકાના બેસ્ટ આત્મા ફાર્મર રૂ.૧૦ હજારનો એવોર્ડ, આત્મા પ્રોજેકટ તરફથી પાંચ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મના મંજુરી પત્ર તથા આઠ ખેડૂતોને ખેતીવાડીના વિવિધ સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું હતું.
સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અને તેનાથી મળતા અદભુત પરિણામો વિષે જણાવી અન્ય ખેડૂતોને પણ એ જ દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. અને કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વિવિધ રસાયણ મુક્ત દવાઓ અને તેના ઉપયોગ વિશે જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ, હળપતિ અને ભુમિહીન ખેત મજુરોની આવાસ બાંધકામ સમિતિના અધ્યક્ષ અશોકભાઇ રાઠોડ, પ્રાંત અધિકારી પાર્થભાઈ તલસાણીયા, જિલ્લા પંચાયતના સદસ્ય કરિશ્માબેન રાઠોડ તથા મોનાબેન રાઠોડ, ન્યાય સમિતિના અધ્યક્ષ હેમુભાઈ પાઠક, બાગાયત અધિકારી , સંગઠન પ્રમુખ બ્રિજેશ ભાઈ પટેલ, તાલુકા પંચાયત દંડક, જિલ્લા પંચાયત સદસ્યો તથા મોટી સંખ્યમાં ખેડુતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.