હજીરા-ઘોઘા રો-રો ફેરી સેવાના સફળતાના ત્રણ વર્ષ: પેસેન્જર અને માલસામાન હેરફેરના પરિવહનનો મજબૂત વિકલ્પ બનીને ઉભરી રોરો ફેરી સર્વિસ
સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું: વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકારિત થયુંઃ
રો-રો ફેરીના પ્રારંભથી આજ સુધી ૬,૪૯,૧૬૫ મુસાફરોનું આવાગમન થયું,, ફેરીમાં દરરોજ ૨૦૦૦ મુસાફરો, ૨૮૦ પેસેન્જર વાહનો, ૨૦૦ ટુ-વ્હીલર અને ૧૮૦ ટ્રકની હેરફેર
રોજના સરેરાશ ૫૦ લોડેડ ટ્રકો અને ૨૦ નાના ટ્રકોની હેરફેર: વાર્ષિક ૬૫,૦૦૦ લોડેડ ટ્રકો કરે છે રોરો ફેરીનો ઉપયોગ
પોસ્ટ વિભાગે આ વર્ષે રો-રો ફેરી મારફતે શરૂ કરી હતી દેશની પ્રથમ દરિયાઈ માર્ગથી ‘તરંગ પોસ્ટ સેવા’: રોજના ૧૬ ટન ટપાલો લઈને ૪ ટ્રકો રવાના થાય છે હજીરાથી ઘોઘા
સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચે છે: સૌરાષ્ટ્રના ઉદ્યોગોને રો-રો થકી મળ્યું મોટું બજાર
સામાન્ય રીતે જમીનમાર્ગે ૧૦-૧૨ કલાક લેતી હજીરા-ઘોઘા મુસાફરી રો-રો થી ૪ કલાકમાં સંભવ બની
હજીરા-ઘોઘા રો-રો ફેરી સાઉથ ઈસ્ટ એશિયાની સૌથી મોટી ફેરી સેવા છે: ખંભાતના અખાતના હાઈટાઈડ રેન્જ અને ઉચ્ચ દબાણયુક્ત દરિયાઈ પાણીમાં ૬૦ નોટિકલ માઈલ કવર કરે છે:
આગામી દિવસોમાં હજીરાથી ગીર સોમનાથના મૂળ દ્વારકા સુધીની રોરો સર્વિસ શરૂ થશે :- ઈન્ડિગો સીવેયઝના સી.ઈ.ઓ. દેવેન્દ્ર મનરાલ
સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂતાઈ મળી છે, અને વ્યવસાય-રોજગારીની નવી તકો ઉભી થઈ છે. રો-રોને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બન્યું છે, પરિણામે પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે.
આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું છે, અને વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા છે. સમય, ઇંધણ અને નાણાની બચત કરનારી આ સેવાએ બે પ્રદેશોને વિકાસના માર્ગે જોડ્યા છે. દિવાળીના તહેવારોમાં સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ વતનમાં જાય છે, તેમના માટે રોરો સેવા આશીર્વાદરૂપ બની છે. દરિયાઈ સફરનો આનંદ અને રોમાંચ પણ આ ફેરીનું જમા પાસું છે.
તા.૧૦મી નવેમ્બરે વિશ્વ માસ ટ્રાન્સપોર્ટ દિવસ પણ ઉજવાય છે, ત્યારે વોટર માસ રેપિડ ટ્રાન્સપોર્ટ રૂપે જળમાર્ગની પણ ખૂબ ઉપયોગિતા છે. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેયઝ મંત્રાલય દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી હેઠળ સાકાર થયેલી ફેરી સેવા અંતર્ગત હજીરા ખાતે સપ્ટેમ્બર-૨૦૨૨માં નવું સ્ટેટ ઓફ ધ આર્ટ ‘ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ’ પણ તૈયાર કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી ઉપસ્થિત રહીને તા.૮ નવેમ્બર,૨૦૨૦ ના રોજ સુરતના હજીરા પોર્ટથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-રો અને રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો. જેનો તા.૯મી નવેમ્બરના રોજ ત્રણ વર્ષ પુર્ણ થયા છે. આ સફળતાપૂર્વક ચાલતી રો-રો સેવા દરરોજ બે રાઉન્ડ ટ્રીપ કરે છે અને દરરોજ અંદાજે ૨૦૦૦ મુસાફરો, ૨૮૦ પેસેન્જર વાહનો, ૨૦૦ ટુ-વ્હીલર અને ૧૮૦ ટ્રકની હેરફેર કરે છે. છેલ્લા ૩ વર્ષમાં, નવેમ્બર-૨૦૨૦ થી શરૂ કરીને હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસ દ્વારા કુલ ૬,૪૯,૧૬૫ મુસાફરો, ૯૩,૯૮૫ કાર, ૫૦,૨૨૯ દ્વિચક્રી વાહનો અને ૭૨,૮૩૩ ભારે માલવાહક વાહનોની હેરફેર કરવામાં આવી છે.
ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૯૦ કિમી છે જે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર ૯૦ કિમી થઈ ગયું છે, પરિણામે ઈંધણની મોટી બચત થઈ છે. અત્યાર સુધીમાં રો-રો પેક્સ ફેરી સર્વિસ દ્વારા ૧,૬૫,૫૩,૧૮૮ લિટર ઇંધણની બચત થઈ છે. પરિણામે ૩૨,૪૦૮ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયાનો અંદાજ છે. આ સેવા ઇંધણ બચત, રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણને ઓછું કરી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા સાથે પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાર્થક કરી રહી છે.
ફેરી સર્વિસનું સંચાલન ‘DG સી કનેક્ટ’ બ્રાન્ડ નેમ હેઠળ ડેટોક્ષ ગ્રુપની કંપની ઈન્ડિગો સીવેયઝ પ્રા.લિ. કરે છે. ઈન્ડિગો સીવેયઝના સી.ઈ.ઓ. દેવેન્દ્ર મનરાલે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ભારતની સૌપ્રથમ સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા સુધીની રો-પેક્ષ ફેરી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. તેઓ વર્ષ દરમિયાન મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતન સાથે સતત કનેક્ટેડ રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે, જે આ રો-રો સેવાને કારણે ઘટીને માત્ર ૪ કલાકની થઈ ગઈ છે, વળી, સૌરાષ્ટ્ર અને સુરતના મુસાફરો પોતાની સાથે બાઈક કે કાર પણ ગામડે લઈ જઈ શકે છે, એ આ સેવાનો પ્લસ પોઈન્ટ બની રહ્યો છે.
દેવેન્દ્ર મનરાલે વધુમાં જણાવ્યું કે, આમ તો ભારતીય પોસ્ટ દ્વારા સડક અને હવાઈ માર્ગે ટપાલ સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં ૨૦મી જાન્યુઆરી-૨૦૨૩ ના રોજથી દરિયાઈ માર્ગે રોરો ફેરી સેવા દ્વારા ટપાલ સેવા- ‘તરંગ’નો શુભારંભ કરાયો હતો. આ અગાઉ સુરતથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર ટપાલો પહોંચતી હતી. પરંતુ હવે સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલો પહોંચાડવામાં આવી રહી છે, જે રો-રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર પહોંચતી કરવામાં આવે છે. પોસ્ટ વિભાગ દ્વારા દરિયાઈ માર્ગથી દેશની પ્રથમ ‘તરંગ પોસ્ટ સેવા’ની આ પહેલના કારણે દરિયાઈ પોસ્ટ પરિવહનથી સમય અને નાણાનો બચાવ થઈ રહ્યો છે. સુરતથી ભાવનગર અગાઉ ટપાલ પહોંચવામાં ૩૨ કલાકનો સમય લાગતો હતો તે હવે આ સેવા થકી માત્ર ૭ કલાક થઈ ગયો છે.
હજીરા-ઘોઘા રો-રો ફેરી સાઉથ ઈસ્ટ એશિયાની સૌથી મોટી ફેરી સેવા છે. ખંભાતના અખાતના હાઈટાઈડ રેન્જ અને ઉચ્ચ દબાણયુક્ત દરિયાઈ પાણીમાં ૬૦ નોટિકલ માઈલ કવર કરે છે. વિશેષ વાત એ છે કે હજીરા ઘોઘા રોરો સેવા સાઉથ ઈસ્ટ એશિયાની સૌપ્રથમ સૌર ઊર્જા-સોલાર પાવરથી સંચાલિત સર્વિસ છે. ફેરીના જહાજ પર સોલાર પેનલો લગાવી છે, જેના કારણે ૧૧૦ કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. જહાજમાં ઉપયોગમાં લેવાતી વીજળીની જરૂરિયાતના અંદાજિત ૫૦ ટકા વીજળી સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે એમ મનરાલે ઉમેર્યું હતું.
મનરાલ કહે છે કે, સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં રોડ એક્સિડન્ટથી દર વર્ષે ૧.૫૦ લાખ લોકો મૃત્યુ પામે છે. જે વિશ્વના કુલ રોડ એક્સિડેન્ટલ મૃત્યુના ૧૧ ટકા છે. વર્ષ ૨૦૧૮ સંદર્ભે રોડ એક્સિડેન્ટથી દેશના અર્થતંત્ર પર સોશ્યો-ઇકોનોમિક કોસ્ટના રૂપમાં ૧.૪૮ લાખ કરોડનું નુકસાન થયું છે. જે દેશની કુલ જીડીપીના ૦.૭૭ ટકા છે. એટલે જ રોડ અકસ્માતો ઘટાડવામાં ફેરી સેવા અતિ કારગર સાબિત થઈ રહી છે. આ સેવાથી લોજીસ્ટિક કોસ્ટ ઘટ્યો છે અને કોસ્ટ ઇફેક્ટિવ પરિવહનની નવી દિશા ખૂલી છે.
મનરાલે ઉમેર્યું કે, આગામી દિવસોમાં સુરતના હજીરાથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા સુધીની રોરો સર્વિસ શરૂ થનાર છે. આ રૂટ પર ફેરી માટે જેટી અને શિપ પ્લેટફોર્મના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે જળમાર્ગોનો પણ હવે વિકાસના માર્ગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની સાગરમાલા પરિયોજનાએ જલમાર્ગોમાં રહેલી વિપુલ સંભાવનાઓને ઉજાગર કરી છે.
સુરતમાં સ્થાયી થયેલા અને મૂળ સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઢાંગલા ગામના વતની મનીષભાઈ આહિરે જણાવ્યું કે, હું ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલો છું. મારે મારે વાર-તહેવારે ગામડે તેમજ ધંધાકીય કામ માટે સૌરાષ્ટ્ર જવું પડે છે. રો-રો ફેરી શરૂ થતા દિવાળીના તહેવારો કે લગ્નપ્રસંગે ગામડે જવું હવે ખૂબ સરળ બન્યું છે. પહેલા જવા માટે બસમાં ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગતો, જે હવે ચાર થી પાંચ કલાકમાં કોઈ પણ ટ્રાફિક વિના, ઝડપથી પોતાના વાહન સાથે સેફ્ટી સાથે પહોંચી શકીએ છીએ. ઘણી વાર એક જ દિવસમાં ગામડે જઈ કામ પૂર્ણ કરીને સુરત પરત આવી જઈએ છીએ.
રો-રો ફેરીમાં હજીરાથી ઘોઘા જઈ રહેલા મુસાફર રિતેશભાઈ કહે છે કે, અમે સંયુકત કુટુંબમાં અમારા વાહન સાથે આવ્યા છીએ. ફેરીની સફરનો પ્રથમવારનો અનુભવ અવિસ્મરણીય રહ્યો છે. રો ફેરીના ટેરેસ પર ખુરશીઓ સાથેની સરસ વ્યવસ્થાઓ છે જેથી પરિવાર સાથે એન્જોયમેન્ટ સાથે ખૂબ મજા આવી. ફેરીમાં પાર્કિંગ, ફુડ પ્લાઝા, બેસવાની સુવિધા છે. કોઈ ટ્રાફિક નહી, કોઈ ઘોંઘાટ નહી અને આરામથી અમે અમારા વતન પહોંચી ગયા છીએ. હવે વારંવાર ફેરીમાં સફર કરવાનું પસંદ કરીશ.
શીપમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા ડો.નમ્રતા બાબુભાઈ વિરડીયા શીપની સફરને રોમાંચક અનુભવ ગણાવી છે. તેઓ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આંકોલવાડી ગામના વતની છે. ડો.નમ્રતા જણાવે છે કે, બોટાદ જિલ્લાનું સાળંગપુર તીર્થધામ અમારી આસ્થાનું કેન્દ્ર છે. ફેરી શરૂ થવાથી સાળંગપુર દર્શને જવાનું ખૂબ સરળ બન્યું છે, દર્શન કરીને સાંજે પરત પણ આવી શકાય છે. વતન જવા માટે અમારા જેવા ભાવનગર જિલ્લાના વતનીઓ માટે રો રો ફેરી ખૂબ આશીર્વાદરૂપ બની છે એમ તેઓ હર્ષથી જણાવે છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાગેશ્રી ગામના વતની અને ૨૦ વર્ષોથી ટ્રક ચલાવતા ડ્રાઈવર મનુભાઈ કહે છે કે, એક સ્થળેથી બીજી સ્થળે માલસામાન લઈને જવાનું હોય ત્યારે સમયસર જવા માટે રાત-દિવસ ટ્રક ચલાવવાની હોય છે. જેથી ઉજાગરાના કારણે થાક લાગતો હોય છે. ભાવનગરથી મુંબઈ તરફ જવા માટે રસ્તા મારફતે ટ્રક પહોચાડવા માટે બે દિવસનો સમય થાય છે જયારે રો-રો ફેરીમાં હવે એક દિવસમાં પહોચી જઈએ છીએ. અહી રો-રોમાં ડ્રાઈવરો માટે સુવાની, જમવાની તથા બેસવાની તમામ સુવિધાઓ છે, જેથી અમને વચ્ચે ચારેક કલાકનો આરામ મળી રહે છે.
યુવા ડ્રાઈવર ઋતુરાજસિંહ ઝાલા કહે છે કે, જમીનમાર્ગે- બાય રોડ જતા હોઈએ ત્યારે ટ્રકમાં સૂવું પડે, ટ્રાફિકના સમયે કલાકો નીકળી જાય છે. જ્યારે અહીં શાંત વાતાવરણમાં આરામ મળી રહે છે. રસ્તાઓ પર એક્સિડન્ટનો ભય રહે છે, જ્યારે અહીં એવો કોઈ ભય નથી. સાતેક મહિનાથી ફેરીમાં ટ્રક સાથે અવર-જવર કરતા ઋતુરાજ હસતા હસતા કહે છે કે, અમારા શેઠને કહી રાખ્યું છે કે, ફેરીમાં જવાનુ હોય તો હું જ ટ્રક લઈને જઈશ.
આ ફેરી સર્વિસ શરૂ થઈ ત્યારથી પોતાનો મહત્તમ માલસામાનની ડિલિવરી આપવા ફેરીનો જ ઉપયોગ કરી રહેલા ભાવનગરના ઉદ્યોગકાર, અગ્રણી ટ્રાન્સપોર્ટર અને ઓલ ઇન્ડિયા ટ્રક ઓનર્સ એસોસિએશનના સભ્ય મુકેશભાઈ ચીમનલાલ પટેલ જણાવે છે કે, હજીરા ઘોઘા ફેરી સેવા ભાવનગર જિલ્લાના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બની છે. મુંબઈ સુધી માલસામાન પહોંચાડવામાં અમને દરિયાઈ માર્ગે એક નવી કનેક્ટિવિટી મળી છે. ફેરી સેવાથી અમારા ગ્રાહકોને એક દિવસ વહેલા ડિલિવરી આપી શકીએ.
તેઓ વધુમાં જણાવે છે કે, ફેરી સેવાનો ઉપયોગ વધતા ડ્રાઈવરોને આરામ મળે છે, જેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ફ્યુઅલનો ઓછો વપરાશ, ટ્રકોના ટાયરનો ખૂબ ઓછો ઘસારો, માલસામાન, ટ્રકો અને ડ્રાઈવરની સલામતી, પર્યાવરણનું રક્ષણ જેવા ફાયદા તો બોનસમાં મળે છે. ઉપરાંત નાણાકીય બચત એ એ પણ અમારા માટે મોટી કમાણી છે. હજુ રો રો ફેરીનું વિસ્તરણ કરવામાં ખૂબ ઉજળી તકો છે. જો ઘોઘાથી મુંબઇ સુધી કોમર્શિયલ રોરો ફેરી શરૂ કરવામાં આવે તો ભાવનગરના ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રના વિકાસને ચાર ચાંદ લાગી જશે.