એન્ટિલિયા કેસના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ
મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલાં ઘમાસાણમાં આજનો દિવસ નિર્ણાયક મનાઈ રહ્યો છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના લેટરને કારણે ગૃહમંત્રી અનિલ દેશમુખ વિવાદોમાં ઘેરાયા છે. જેને કારણે NCP ચીફ શરદ પવાર નક્કી કરશે કે અનિલ દેશમુખ ગૃહમંત્રીના પદ પર રહેશે કે નહીં. શરદ પવારે કહ્યું હતું કે, પરમબીરે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે, પરંતુ એ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. ચિઠ્ઠીમાં એવું પણ દર્શાવવામાં આવ્યું નથી કે પૈસા કોની પાસે ગયા છે. એ ઉપરાંત ચિઠ્ઠી પર પરમબીર સિંહની સાઈન પણ નથી. ઉલ્લેખનીય છે કે દેશમુખ પર મુંબઈ પોલીસના સસ્પેન્ડ પોલીસકર્મી અનિલ વઝેને રૂ. 100 કરોડનો ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ છે. જ્યારે સચિન વઝે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર વિસ્ફોટક મૂકવાના કેસમાં ફસાયેલા છે.
સંજય રાઉતે વિપક્ષ પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્રમાં રાજકરણ પર ગરમાવો યથાવત છે ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. અને જેમાં સંજય રાઉતે ભાજપ અને કેન્દ્ર પર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું હતું કે જો કોઈ કેન્દ્રીય એજન્સીનો ખોટો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાવવા માંગે છે, તો હું એને ચેતવણી આપું છું કે તમે તમારી જ આગમાં સળગી જશો. ઉપરાંત તેઓએ કહ્યું કે, તમામ આરોપોની તપાસ થવી જોઈએ અને એમાં ખોટું શું છે? કોઈપણ વ્યક્તિ કોઈની પણ ઉપર આરોપ લગાવી શકે છે. જો લોકો આ રીતે જ મંત્રીઓના રાજીનામા લઈ લેશે તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ જશે.
મનસુખ હિરેનની હત્યાના કેસમાં 2 લોકોની ધરપકડ
એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ(ATS)એ મુકેશ અંબાણીના ઘરની પાસેથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં 2 લોકોની ઘરપકડ કરી છે. તેમાંથી એક મુંબઈ પોલીસનો સસ્પેન્ડ કર્મચારી છે, અને બીજો ક્રિકેટ બુકી છે. કોર્ટે બંનેને 30 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે. શરૂઆતની તપાસમાં ATS સચિન વઝેને આ માર્ડરના સૂત્રધાર માની રહી છે. ATSના રાજકુમાર શિંદેએ જણાવ્યું કે મનસુખ હિરેનની હત્યાના મામલામાં સસ્પેન્ડ થયેલાં કોન્સ્ટેબલ વિનાયક બાલાસાહેબ શિંદે(51) અને ક્રિકેટ બુકી નરેશ રમણિકલાલ ગોરે(31)ની ધરપકડ કરી છે. બંને આરોપી સસ્પેન્ડ કરાયેલા સહાયક પોલીસ નિરીક્ષક સચિન વઝેની સાથે મનસુખની હત્યામાં સામેલ હતા.