સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા પલસાણા તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો ‘આયુષ મેળો’ યોજાયો
કુલ-૪૧૭૪ લોકોએ વિવિધ નિદાન અને સારવારનો લાભ લીધો
ઇન્સ્ટન્ટ રાહત આપતી એલોપેથીની અઢળક આડ અસરથી બચવા આયુર્વેદ અને યોગા શ્રેષ્ઠ’: સાંસદ પ્રભુભાઈ વસાવા
’મોટી સંખ્યામાં લોકોને આયુર્વેદ અને તેના લાભો વિષે માહિતગાર કરી આરોગ્ય પ્રત્યે સજાગતા કેળવવી એ જ આયુષ મેળાનો પ્રાથમિક હેતુ ’: જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ
સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા પલસાણાની મણીબા આહિર સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો ‘આયુષ મેળો’ યોજાયો. લોકોમાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી, અને હોમિયોપેથી જેવી વિવિધ લાભકારી ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતતા આવે એ હેતુથી આ વર્ષે કેન્દ્ર સરકારના ‘આયુષ મંત્રાલય’ દ્વારા દેશ-રાજ્યભરમાં આઠમા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩’ અંતર્ગત ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ થીમ અને ‘હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ’ ટેગ લાઈન આધારિત ઉજવણી થઈ રહી છે.
આયુષ મેળામાં પ્રાસંગિક ઉદબોધન આપતા સાંસદએ આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીને આધારે વધતાં રોગો અને તેમાં લેવાતી એલોપેથી સારવાર વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઇન્સ્ટન્ટ રાહત આપતી એલોપેથીની અઢળક આડ અસરથી બચવા આયુર્વેદ અને યોગા જેવી પારંપરિક ચિકીત્સા પધ્ધતિઓના શ્રેષ્ઠ પરિણામ મળ્યા છે. વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત યોગ પ્રણાલીને દૈનિક જીવનનો ભાગ બનાવવા અનુરોધ કરતા સાંસદએ જણાવ્યુ કે, કોરોના કાળમાં યોગ અને પારંપરિક ભારતીય ચિકિત્સા પધ્ધતિની ખરાઈ વિશ્વમાંભરમાં થઈ ચૂકી છે.
જિલ્લાના લોકોને પંચકર્મ સહિતની તમામ પ્રકારની આયુર્વેદ સારવારનો લાભ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા સાંસદએ સ્વ ભંડોળમાંથી રૂ.૧૦ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. અને દરેકને આયુર્વેદ તરફ વળવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું કે, આયુષ મેળાનો પ્રાથમિક હેતુ મોટી સંખ્યામાં લોકોને આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી તેમજ તેના લાભો વિષે માહિતગાર કરી આરોગ્ય પ્રત્યે સજાગતા કેળવવો જ છે. વધુમાં તેમણે ઘર આંગણાની ઔષધીઓના અસાધારણ લાભોથી નાગરિકોને માહિતગાર કર્યા હતા.
આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા આયુષ વિભાગ વિષે માહિતી આપતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે જણાવ્યુ કે, કોઈ પણ જાતની આડ અસર વિના પ્રાકૃતિક પધ્ધતિથી વિવિધ રોગોના નિદાન માટે સરકારે આયુષ વિભાગની રચના કરી છે. જેમાં ધીરે પણ કાયમી પરિણામ મળવાની સંભાવનાઓ રહેલી છે.
વિનામૂલ્યે આયોજિત આયુષ નિદાન-સારવાર કેમ્પમાં કુલ-૪૧૭૪ લોકોએ વિવિધ નિદાન અને સારવારનો લાભ લીધો હતો. જેમાં નિષ્ણાંતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ તથા વિવિધ રોગોમાં લાભકારી પંચકર્મ ચિકિત્સા અંગે માર્ગદર્શન, ગુણકારી ઔષધો વિષે સમજૂતી, આયુર્વદે અને હોમિયોપથી પધ્ધતિ દ્વારા ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાયરોઈડ, ચામડીના રોગો, સાયટિકા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તથા માનસિક રોગો, સ્ત્રીઓના રોગોનું સચોટ નિદાન અને સારવારની સાથે મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સા પણ ઉપલબ્ધ કરાઇ હતી. તેમજ મિલેટ્સ વાંગીઓનું પ્રદર્શન પણ કરાયું હતું.
કાર્યક્રમમાં જિલ્લાના આયુષ હેલ્થ અને વેલનેસ સેંટરોમાં કાર્યરત યોગ શિક્ષકો દ્વારા મ્યુઝિકલ થીમ બેઝ ‘યોગ પ્રાત્યક્ષિક’ કરાયા હતા. તેમજ બાળવાટિકાના બાળકોને સુવર્ણપ્રાશન આપી અંતે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રસંગે પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત સુરતના અધ્યક્ષ રોશનભાઈ પટેલ, પલસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવનાબેન તલાવીયા, સરપંચ પ્રવીણભાઈ આહીર, જિલ્લા આયુષ અધિકારી ડૉ. કાજલ મઢીકર, મેડિકલ ઓફિસર ડો. પિયુષભાઈ પટેલ સહિત અન્ય આયુર્વેદિક ચિકિત્સક અને મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત હતા.