વુમન આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ અંતર્ગત રજિસ્ટર્ડ થયેલી દેશની ૩૦ હજાર મહિલા સાહસિકોને મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડીશું : ડો. અન્ના રોય
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત ઇકોનોમિક ફોરમ અંતર્ગત નીતિ આયોગના સિનિયર એડવાઇઝર ડો. અન્ના રોય તથા તેમની ટીમ સાથે મિટીંગ યોજાઇ
નીતિ આયોગની ટીમ સમક્ષ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ટફ જેવી સ્કીમને ફરીથી શરૂ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ હેઠળ સુરત ઇકોનોમિક ફોરમ અંતર્ગત શનિવાર, તા. ૧૪ ઓકટોબર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના નીતિ આયોગના સિનિયર એડવાઇઝર ડો. અન્ના રોય (IES) સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ નીતિ આયોગના સિનિયર એડવાઇઝર ડો. અન્ના રોયને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેકટની જરૂરિયાત અને તેના મહત્વ વિષે સમજણ આપી હતી. આ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રિજીયન સહિત સમગ્ર ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત જે ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે તેના વિશે પણ તેમણે વિસ્તૃત જાણકારી તેઓને આપી હતી.
ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવાની બાબત પણ સમજાવી હતી. એવી રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા વિશે જાણકારી આપી હતી. મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોમાં રહેલી તકો તથા ત્યાંના કાયદા અને નિયમો વિશે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરાઇ રહયો છે, જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે થઇ રહેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે ડો. અન્ના રોય (IES) તથા તેમની ટીમને વાકેફ કરી તેમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.
નીતિ આયોગના સિનિયર એડવાઇઝર ડો. અન્ના રોય (IES)એ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વુમન આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ અંતર્ગત મહિલાઓને સશકત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવા માટે તેમજ મહિલાઓ પગભર થાય તે માટે ભારત સરકારની પ૦૦થી વધુ યોજનાઓ છે. તેમણે કહયું હતું કે, વુમન આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ અંતર્ગત દેશભરમાં ૩૦ હજાર જેટલી મહિલા સાહસિકો રજિસ્ટર્ડ થઇ છે અને આ તમામ મહિલા સાહસિકોને ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડીશું.
તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા દેશના ચાર શહેરોને ગ્રોથ હબ તરીકે સિલેકટ કરવામાં આવ્યા છે. જેમાં સુરત, મુંબઇ, વારાણસી અને વાઇઝા શહેરનો સમાવેશ થાય છે. વર્ષ ર૦૪૭ સુધીમાં સુરતનો વિશ્વના અગ્રેસર રહેવાલાયક શહેરોમાં સમાવેશ થાય અને સુરત શહેર વૈશ્વિક સ્તરનું બને તે માટે પ્રયાસ થઇ રહયો છે. એના માટે હેલ્થ, એજ્યુકેશન તથા વ્યાપાર – ઉદ્યોગના જુદા–જુદા સેકટરોમાં રહેલા ડેવલપમેન્ટના પરીબળો વિષે તથા આવનારા રપ વર્ષમાં સુરત શહેરમાં કયા કયા ક્ષેત્રમાં કેવો વિકાસ થવો જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી.
નીતિ આયોગની ટીમના અભિલેષ બબલે જણાવ્યું હતું કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરી શકાય તેમ છે. ટુરીઝમ ઇન્ડસ્ટ્રી થકી ગ્રામિણ વિસ્તારોની મહિલાઓને પગભર કરી શકાય અને સ્થાનિક લોકોને રોજગારી આપી શકાય તેમ છે. તેમણે સુરતને આઉટબોન્ડ ટુરીઝમ કેપિટલ બનાવવાની શકયતાઓ પર ભાર આપ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ચેમ્બર દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને પગભર બનાવવા માટે તેમજ સ્થાનિક લોકોને રોજગારી આપવાના હેતુથી ડાંગ જિલ્લાના ગામડાઓમાં ગારમેન્ટ માટે ટ્રેઇનીંગ સેન્ટર બનાવવા કરાયેલા પ્રયાસોની માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ નીતિ આયોગની ટીમ સમક્ષ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ટફ જેવી સ્કીમને ફરીથી શરૂ કરાવવા માટે રજૂઆત કરી હતી. તેમણે કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર લાગુ થવાને કારણે, કવોલિટી ફેબ્રિક બનાવવા માટે જરૂરી હાઇ કવોલિટી રો મટિરિયલને ઇમ્પોર્ટ કરવા માટે જે મુશ્કેલીઓ ઉભી થઇ છે તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી.
આ ઉપરાંત ભારતમાં જે મશીનરી બનતી નથી તેના ઇમ્પોર્ટ પર કસ્ટમ ડયુટી જે આગામી તા. ૧લી એપ્રિલ ર૦રપથી લાગુ થવાની છે તેને હટાવવા માટે તથા ભારતમાં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગ માટે સ્કીમ લાવવા માટે ટેક્ષ્ટાઇલ મંત્રાલયને ભલામણ કરવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર લાગુ થવાને કારણે હાઇ કવોલિટી રો મટિરિયલને ઇમ્પોર્ટ કરવા માટે જે મુશ્કેલીઓ ઉભી થઇ છે તેને દૂર કરવા માટે કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ મંત્રાલયને ભલામણ કરવા અનુરોધ કર્યો હતો.
ચેમ્બરની એગ્રીકલ્ચર કમિટીના ચેરમેન કે.બી. પિપલીયા નીતિ આયોગની ટીમને એગ્રો ટુરીઝમ વિશે માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબી અને પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટ, ચેમ્બરની એગ્રીકલ્ચર કમિટીના ચેરમેન કે.બી. પિપલીયા તથા સુરેશ પટેલ સહિતના ઉદ્યોગકારો હાજર રહયા હતા.