HomeBusiness"Wealth Creation Mantra"/SGCCI અને ANMIના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘વેલ્થ...

“Wealth Creation Mantra”/SGCCI અને ANMIના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘વેલ્થ ક્રિએશન મંત્રા’વિશે કાર્યક્રમ યોજાયો/India News Gujarat

Date:

સ્ટોક જેનો ચાલી રહયો છે તે કંપની કવોલિટી કંપની છે, કંપનીમાં બેથી ત્રણ વર્ષના સ્ટેપમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઇએ : સમિર અરોરા

સંપત્તિ સર્જન એ કલા અને વિજ્ઞાન બંને છે, આથી રોકાણના વિવિધ માર્ગો વિશે વ્યક્તિએ સારી રીતે માહિતગાર રહેવું જોઈએ : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

SGCCI અને ANMIના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘વેલ્થ ક્રિએશન મંત્રા’વિશે કાર્યક્રમ યોજાયો, સમિર અરોરાએ શેરબજારના રોકાણકારોને માર્ગદર્શન આપ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને એસોસીએશન ઓફ નેશનલ એક્ષચેન્જીસ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા દ્વારા સંયુકતપણે ગુરૂવાર, તા. ૧ર ઓકટોબર, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે પ્લેટિનમ હોલ, એસઆઇઇસીસી કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ‘વેલ્થ ક્રિએશન મંત્રા’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત સિંગાપોરની હેલિઓસ કેપિટલના ફાઉન્ડર સમિર અરોરાએ શેરબજારના રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સંપત્તિ સર્જન એ કલા અને વિજ્ઞાન બંને છે, આથી રોકાણના વિવિધ માર્ગો વિશે વ્યક્તિએ સારી રીતે માહિતગાર રહેવું જોઈએ. આપણે કીમતિ ધાતુ જેવા કે સોના–ચાંદીમાં તેમજ જમીન અને સ્થાવર મિલકતોમાં રોકાણનો ઇતિહાસ ધરાવીએ છીએ, પરંતુ સમયાંતરે રોકાણના પ્રકાર બદલાતા ગયા છે. હવે લોકો પાસે રૂપિયા હોય તો તેઓ રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા હોય છે અને છેલ્લાં એક દાયકામાં, રિયલ એસ્ટેટ રોકાણમાંથી મહત્તમ વળતર મળ્યું છે.

તે જ સમયે, જો આપણે ૧૯૮૪માં સેન્સેકસના વળતરની તુલના કરીએ તો બીએસઇ સેન્સેકસ માત્ર ૩પ૪ હતો, જે આજે ૬૬૦૦૦ પોઇન્ટ પર પહોંચી ગયો છે. એટલે કે ૧૯૮૪માં સ્ટોકસમાં રોકાણ કરાયેલા રૂપિયા ૧ લાખનું બજાર મૂલ્ય રૂપિયા ૧.૮૬ કરોડ થઇ ગયું છે, ત્યારે શેરબજારમાં કઇ કંપનીમાં તથા કયા સ્ટોકસમાં રોકાણ કરવું જોઇએ તેના માટે નિષ્ણાંતની સલાહ લેવી પણ જરૂરી બને છે, આથી આજના કાર્યક્રમમાં શેરબજારના નિષ્ણાંત સમિર અરોરા રોકાણકારોને આ દિશામાં મહત્વનું માર્ગદર્શન આપશે.

સમિર અરોરાએ જણાવ્યું હતું કે, શેરબજારમાં જે કંપનીનો સ્ટોક ચાલી રહયો છે તે કંપની કવોલિટી કંપની છે. શેરબજારમાં કોઇપણ કંપનીમાં બેથી ત્રણ વર્ષ માટે રોકાણકારોએ રોકાણ કરવું જોઇએ. ત્યારબાદના વર્ષમાં પણ એ કંપની સારું પરફોર્મન્સ કરે અને સારા રિટર્ન આપે તો એ કંપનીમાં ફરીથી બેથી ત્રણ વર્ષ માટે રોકાણ કરી શકાય છે.

તેમણે જણાવ્યું હતું કે, શેરબજારમાં કોઇપણ કંપનીને લોન્ગ ટર્મ વીનર તરીકે ઓળખી જ ન શકાય. કારણ કે, એ કંપનીને પણ ખબર હોતી નથી કે એ લોન્ગ ટર્મ ટકી શકે છે કે નહીં? દસ વર્ષ પછી ૧૦માંથી ૧ અથવા ર કંપની જ શેરબજારમાં રહી જાય છે. એનાથી વધારે કંપનીઓ શેરબજારમાં ટકતી નથી. તેમણે શેરબજારમાં વર્ષ ૧૯૯૦, ર૦૦૦, ર૦૧૦ અને ર૦ર૦માં ટોપ કંપનીઓની યાદી બતાવીને આ બાબતની રોકાણકારોને સમજણ આપી હતી.

સમિર અરોરાએ રોકાણકારોને એકાદ બે કંપનીઓ કરતા વધારે કંપનીઓમાં રોકાણ કરવાની સલાહ આપી હતી, પરંતુ એ કંપનીઓ કઇ હોઇ શકે? તેની કોઇને ખબર હોતી નથી તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. કોઇ કંપનીની વેલ્યુએશન અને તેનો ઇતિહાસ સારો છે એટલા માટે તેમાં ર૦ ટકા જેટલું રોકાણ કરી દેવું જોઇએ એવું વિચારનારા રોકાણકારોએ આવું કરવાથી પણ બચવું જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફાયનાન્શીયલ, કન્ઝયુમર અને ટેક એવા ત્રણ થીમથી લોકો બિલિનિયર બને છે. તેમણે ફંડ મેનેજમેન્ટ વિશે પણ રોકાણકારોને વિસ્તૃત માહિતી આપી હતી.

સીએનબીસી ટીવી ૧૮ના એડિટર પ્રશાંત નાયરે કાર્યક્રમને મોડરેટ કરી સમિર અરોરા સાથે સંવાદ કર્યો હતો. સંવાદ દરમ્યાન રોકાણકારો દ્વારા પુછવામાં આવેલા વિવિધ સવાલોના સમિર અરોરાએ જવાબો આપ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. એસોસીએશન ઓફ નેશનલ એક્ષચેન્જીસ મેમ્બર્સ ઓફ ઇન્ડિયાના નોર્થ રિજીયોનના ચેરમેન હેમંત કકકર અને વેસ્ટર્ન રિજીયોનના ચેરમેન મિલન પરીખે પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝરો હેમંત દેસાઇ અને કેતન દલાલ, સભ્ય નૈનિશ વાડીવાલા તથા ૬૦૦થી વધુ રોકાણકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન અયુબ યાકૂબઅલીએ વકતા સમિર અરોરાનો પરિચય આપ્યો હતો અને કો ચેરમેન દિપેશ પરીખે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમના આયોજન માટે સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેરબ્રોકર્સ લિમિટેડનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

SHARE

Related stories

Latest stories