રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ‘ડાયમંડ કિંગ’ ગોવિંદભાઈ ધોળકિયાના આત્મકથાનક ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’નું ગાંધીનગરમાં વિમોચન
ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સંઘર્ષ કરીને શૂન્યમાંથી સર્જન કરવું અને સફળ થયા પછી સહજતા-નૈતિકતા ટકાવી રાખવી એ યુવા પેઢીને આ પુસ્તકમાંથી શીખવા મળશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
હીરા તમને ધનવાન બનાવી શકે, જીવનના મૂલ્યો તમને ‘સારા માણસ’ બનાવે છે. અનુભવ જેનો આત્મા હોય અને સત્ય સાથે જોડાયેલો હોય તેવો શબ્દ ‘શબ્દ બ્રહ્મ’ છે : પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા
મેં ડાયમંડને ભગવાન માન્યા છે અને તેની અવિરત સાધના કરી છે. કામ ભક્તિ સ્વરૂપ છે, જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી ભગવાનનું કાર્ય કર્યાનો અહેસાસ થાય છે : ગોવિંદભાઈ ધોળકિયા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ અગ્રણી ઉદ્યોગપતિ અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક-અધ્યક્ષ ગોવિંદભાઈ ધોળકિયા લિખિત આત્મકથા ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’ (હીરા હંમેશા માટે હીરા છે, એવી જ રીતે નૈતિકતા પણ) ના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કર્યું હતું. રાજભવન, ગાંધીનગરમાં આયોજિત ગરિમામય કાર્યક્રમમાં ગોવિંદભાઈ ધોળકિયા, અરજણભાઈ ધોળકિયા અને ઉદ્યોગ, સાહિત્ય તથા રાજકીય ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મનુષ્યએ પ્રકૃતિ સહિત તમામ ક્ષેત્રે વિજય મેળવ્યો છે, પરંતુ પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર પર વિજય મેળવી શક્યો નથી. ગામડામાં પશુપાલન અને ખેતી કરીને, ગામની ગલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના સામાન્ય નિયમોને નૈતિકતામાં બદલી નાખ્યા છે. પરિશ્રમ અને પ્રમાણિકતાથી તેઓ ‘ડાયમંડ કિંગ’ બન્યા છે. ભૌતિકતા સાથે આધ્યાત્મનું અદ્ભુત સામંજસ્ય ધરાવતા ગોવિંદભાઈએ સાચા કર્મયોગી તરીકે પરિવાર, ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.
પરોપકાર અને પ્રેરણામાં ગુજરાતીઓ અગ્રેસર છે, ગુજરાતની ધરતીમાં જ આગવી વિશેષતા છે એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના સર્વોચ્ચ લોકપ્રિય નેતા છે. ગોવિંદભાઈ ધોળકિયા અને ધીરુભાઈ અંબાણી જેવા નરરત્નો આવનારી પેઢીઓ માટે પ્રેરણા છે અને મને જ્યાંથી પ્રેરણા મળી છે એ સ્વામી દયાનંદ સરસ્વતીજી પણ ગુજરાતમાં જન્મ્યા હતા. ગુજરાતની ધરતીને નમન છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, જે મનમાં હોય એ જ વાણીમાં હોય અને જે વાણીમાં હોય એ જ કર્મ બની રહે એમાં વ્યક્તિની પૂર્ણતા છે. ગોવિંદભાઈ ધોળકિયા નૈતિકતાપૂર્ણ આધ્યાત્મિક જીવન જીવી રહ્યા છે, મૂલ્યો અને આદર્શો સાથે વ્યવસાય કરી રહ્યા છે. સાત્વિક અને નિર્વ્યસની જીવનશૈલી ધરાવતા ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા યુવાનોને, આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.
ધન પોતાની સાથે બુરાઈ લાવતું હોય છે પરંતુ ગોવિંદભાઈ ધોળકિયાએ ધનને ધર્મ, પુણ્ય, પરોપકાર, ભલાઈ અને અન્યોની ગરીબી દૂર કરવાના કામમાં લગાડ્યું છે એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં પરિવાર એકતાના અદભુત દર્શન ધોળકિયા પરિવાર કરાવી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુસ્તક વિમોચન પ્રસંગે ગોવિંદભાઈ ધોળકિયાને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, ગોવિંદભાઈ ધોળકિયા જેવા સફળ ઉદ્યોગપતિએ તેના ૪૦ થી ૫૦ વર્ષના અનુભવો જ્યારે એક પુસ્તકમાં સમાવ્યા હોય ત્યારે ચોક્કસપણે કહી શકાય કે, ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’ પુસ્તક આવનારી પેઢી માટે પ્રેરણા અને નૈતિકતાનો અવિરત સ્ત્રોત બનશે. સંઘર્ષ કરીને શૂન્યમાંથી સર્જન કરવું તેમજ સફળ થયા પછી સહજતા અને નૈતિકતા કેવી રીતે ટકાવી રાખવી એ બાબત યુવા પેઢીને આ પુસ્તકમાંથી શીખવા મળશે.
મુખ્યમંત્રીએ કર્મ અને તેના ફળ વિશે ગોવિંદભાઈએ કરેલી વાતને બિરદાવતાં કહ્યું હતું કે, કર્મ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને કોઇપણ મનુષ્ય તેના કર્મોથી જ મહાન થતો હોય છે. જીવનમાં કરેલું કોઇપણ કર્મ તેના ફળ આપ્યા વગર નષ્ટ પામતું નથી. ગોવિંદભાઈ શરૂઆતથી જ ભગવાન પર શ્રદ્ધા રાખી, મહેનત કરીને કર્મના રસ્તે આગળ વધતા ગયા અને સફળતા સુધી પહોંચ્યા. આવનારી પેઢીએ પણ તેમની પાસેથી આ જ શીખવાનું છે. પોતાની મહેનત પર ભરોસો રાખી કર્મ અને સંઘર્ષ કરતાં-કરતાં સાચા રસ્તે આગળ વધીશું તો સફળ થતા કોઈ રોકી શકે તેમ નથી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પોતે સફળ થવું અને સૌને સાથે લઈને સફળ થવું આ બંનેમાં ખૂબ જ મોટો તફાવત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશથી સૌને સાથે લઈને આગળ વધવા માટે જ ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’નો મંત્ર આપ્યો છે. એવી જ રીતે ગોવિંદભાઈ પણ સૌને સાથે લઈને ચાલવાવાળા માણસ છે. તેમની જીવનરૂપી માળાના દરેક મણકામાંથી એટલે કે તેમના અનુભવોમાંથી ભાવી પેઢી પ્રેરણા લઇ શકે તે દિશામાં આ પુસ્તક એક મહત્વની કડી પૂરવાર થશે.
ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, અનુભવ જેનો આત્મા હોય અને જે સત્ય સાથે જોડાયેલો હોય તેવો શબ્દ ‘શબ્દ બ્રહ્મ’ કહેવાય છે, અને આવો શબ્દ જો વિચારપૂર્વક પ્રયુક્ત થાય તો તે કામધેનું જેવું, ઈચ્છ્યું ફળ આપનારું કામ કરે છે. ગોવિંદભાઈએ તે જ રીતે તેમના જીવનના સારા-નરસા અનુભવોને સાતત્ય સાથે શબ્દોમાં પરોવીને ભાવી પેઢી માટે આ પુસ્તકમાં સમાવ્યા છે. આજના યુવાનો જે સપનાં જુએ છે, તેને સાકાર કરવા જે મહેનત અને સંઘર્ષ કરે છે, તેવા યુવાનોને આ પુસ્તકના શબ્દો કંઇક શીખવવાની પ્રેરણા પૂરી પાડશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હીરા તમને ધનવાન બનાવી શકે છે, પરંતુ જીવનના મૂલ્યો તમને એક સારો માણસ બનાવે છે. ગોવિંદભાઈ તેમની સફળતા બાદ પણ ક્યારેય મૂલ્યોમાં ચૂક્યા નથી. કારણ કે, જીવનના મૂલ્યોને નેવે મૂકીને સફળ થયેલા માણસોની સફળતા તકલાદી હોય છે તેવું તેમનું માનવું છે. જેમ ભગવાને સ્વયં ભાગવતમાં મૂલ્યોના સિંચન માટે પ્રહલાદ અને ધ્રુવ જેવા ચરિત્રોનું ગાયન કર્યું છે, તેમ આજની યુવા પેઢીમાં નૈતિકતા અને મૂલ્યોનું સિંચન કરવા માટે ગોવિંદભાઈએ આ પુસ્તકમાં તેમના અનુભવોને ખૂબ જ સારી રીતે મુદ્રિત કર્યા છે. સફળ વ્યક્તિના જીવન ચરિત્રને વાંચવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આવા પુસ્તકોમાંથી પ્રસાદરૂપે પ્રાપ્ત થતી પ્રેરણા સફળતા તરફ આગળ વધવાનો માર્ગ છે, અને એટલે જ આવા પ્રકાશનો વધાવવા જેવા છે.
ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, પોતાના મુખેથી પોતાના વખાણ કરવા એ મૃત્યુ બરાબર છે. મેં મારી આત્મકથામાં ક્યાંય આત્મશ્લાઘા કરી નથી.
કર્તુ, અકર્તુ અને અન્યથા કર્તુ ઈશ્વર જ છે. હું મારી દરેક પ્રવૃત્તિઓ ભગવાનને મૂળમાં રાખીને જ કરું છું. કામ ભક્તિ સ્વરૂપ છે, જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી ભગવાનનું કાર્ય કર્યાનો અહેસાસ થાય છે. ૪૦ વર્ષોથી દરરોજ હું મારી રોજનીશી લખું છું, એ રોજનીશીનો અંગ્રેજી અનુવાદ કરાવીને મારા અંગત મિત્ર અને ‘અગનપંખ’ના લેખક અરુણ તિવારીના આગ્રહથી તેમને મોકલી. અરુણ તિવારીએ મારી એ રોજનીશી પરથી મારી આત્મકથા સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં લખી. આજે ‘ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ’ ની ગુજરાતીમાં ભાષાંતરિત આવૃત્તિનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે વિશેષ મહેમાનો, મહાનુભાવોની ઉપસ્થિતિથી હું મારા જીવનની સાર્થકતાની અનુભૂતિ કરી રહ્યો છું.
ગોવિંદભાઈ ધોળકિયાના દીકરા શ્રેયાંશભાઈ ધોળકિયાએ સ્વાગત ઉદ્બોધનમાં કહ્યું કે, મારા પિતાજી ગોવિંદભાઈ ધોળકિયાનો મૂળ મંત્ર છે કે, “સંપત્તિ અને સંતતિ પ્રારબ્ધ અનુસાર જ મળે છે. આ માટે પ્રયત્નો કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી”. “જીવનમાં ક્યારેય શોર્ટકટ નહીં અપનાવવાનો, લાંબો માર્ગ કઠિન હશે પણ કાયમી હશે”. પરિવારજનોના અતિ આગ્રહને વશ થઈને પિતાજીએ આ આત્મકથા લખી છે. આ આત્મકથા અમારા માટે, યુવાનો માટે, આવનારી પેઢીઓ માટે ગીતા સમાન છે. અંતમાં અર્પિતભાઈ નારોલાએ આભાર વિધિ કરી હતી. સમારોહનું સંચાલન કવિ અંકિત ત્રિવેદીએ કર્યું હતું.
વિમોચન વંદિતાના આ અવસરે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઋષિકેશભાઇ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, મુકેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ, વરિષ્ઠ લેખકો અને અગ્રણીઓ પી. કે. લહેરી, કુમારપાળ દેસાઈ, ભાગ્યેશ જહા, ભદ્રાયુ વચ્છરાજાની, જય વસાવડા, પ્રકાશક આર. આર. શેઠના ચિંતનભાઈ શેઠ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
નૈતિકતા અને ડાયમંડ વચ્ચે સમાનતા દર્શાવતું આત્મકથાનું શીર્ષક પોતે જ પુસ્તકના સારાંશને પ્રતિબિંબિત કરે છે. લંડન, સુરત, દિલ્હી, હૈદરાબાદ અને કોચીમાં અંગ્રેજી આવૃત્તિનું લોન્ચિંગ થયું ત્યારથી જ; વિશ્વભરમાંથી આ પુસ્તકને હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. આત્મકથાની અંગ્રેજી આવૃત્તિની ૧૧,૦૦૦ થી પણ વધુ નકલો વેચાઈ છે.