HomeBusinessDirect Purchase Will Be Made/ટેકાના ભાવથી ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખેડૂતો...

Direct Purchase Will Be Made/ટેકાના ભાવથી ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે/India News Gujarat

Date:

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતો તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે. ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ફરજીયાત ઓનલાઈન નોંધણી માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા અનુરોધ છે.
સરકાર દ્વારા પ્રતિ કિવન્ટલ માટે લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૧૮૩, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨૨૦૩/-, મકાઈ માટે રૂ.૨૦૯૦/-, બાજરી માટે રૂ.૨૫૦૦/-, જુવાર (હાઈબ્રીડ) માટે રૂ.૩૧૮૦/-, જુવાર(માલદંડી) માટે રૂ.૩૨૨૫/- અને રાગી માટે રૂ.૩૮૪૬/- નિયત કરેલ છે.
ટેકાના ભાવે ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી કરાશે. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરાશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવું. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરાશે. નોંધણી માટે જરૂરી પુરાવા આધાર કાર્ડ, અદ્યતન ગામ નમુનો, ૭/૧૨, ૮/અ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવા.
ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવે નહી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાશે. ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતોને ચુકવણા PFMS પોર્ટલ મારફતે કરવામાં આવશે. જે તેઓની ખરીદીના ૪૮ ક્લાકમાં નાણા ચુકવવામાં આવશે એમ જિલ્લા મનેજર (ગ્રેડ-૧) અને જિલ્લા પૂરવઠા અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.

SHARE

Related stories

Latest stories