INDIA NEWS GUJARAT: સિક્કિમના ઉત્તરમાં આવેલા લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. જેમાં સેનાના 20થી વધુ જવાનો ગુમ થયા છે. પૂરને જોતા પ્રશાસને આસપાસના લોકોને એલર્ટ કરી દીધા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરના કારણે ઘાટીમાં સ્થિત કેટલાક સૈન્ય મથકોને નુકસાન થયું છે. સીએમ પ્રેમસિંહ તમંગે અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
સેનાના અનેક વાહનો ડૂબી ગયા
આસામના ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે પાણીનું સ્તર અચાનક 15 થી 20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગા ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો કાદવમાં ડૂબી ગયા હતા. અહેવાલ છે કે 40 થી વધુ સેનાના વાહનો કાદવમાં ડૂબી ગયા છે.
બીજેપી નેતા ઉગેન શેરિંગ ગ્યાત્સો ભુટિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સરકારી તંત્ર લોકોના જીવ બચાવવામાં વ્યસ્ત છે. હાલ પૂરથી થયેલા નુકસાનના અહેવાલ આવવાના બાકી છે. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જોકે, જાહેર મિલકતોને નોંધપાત્ર નુકસાન થયું છે. આ સિવાય કેટલાક લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે, જેમની રાહત ટીમો શોધ કરી રહી છે.