નવી સિવિલમાં એસિડ પીવાના કારણે અન્નનળીની ઈજા પામેલી બે મહિલાઓની અત્યાધુનિક લેઝર મશીનથી સફળ સર્જરી
લેઝર મશીનથી અન્નનળીનું ફાઈબ્રોસિસ દૂર થઈ શકે છે: સ્વરપેટી કાઢ્યા વિના બે મહિલાઓની અન્નનળીમાંથી ફાઈબ્રોસિસ દૂર થતા સ્વસ્થ થઈ
સુરત સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની ખરાબ થયેલી અન્નનળીનું સ્વરપેટી કાઢ્યા વિના ઓપરેશન કરીને તેમાં જામેલા ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડો.નિમેષ વર્માની ટીમ દ્વારા એસિડ પીનાર બે મહિલાઓની જટિલ સર્જરી કરવામાં આવી હતી. એસિડ પીવાના કારણે ફાઈબ્રોસિસ થઈ જતા અન્નનળી બંધ થઇ જતી હોય છે, જેના કારણે દર્દી ખોરાક લઈ શકતો નથી. દર્દીના શરીરમાં ખોરાક પહોંચાડવા સર્જરી કરીને મુખની નળી સાથે મોટુ આંતરડુ જોડવામાં આવતુ હતું. જે માટે સ્વરપેટી પણ કાઢી નાખવામાં આવતી હતી. દર્દી બચી જાય છે, પરંતુ સ્વરપેટી વિના તે જીવનભર બોલી શકતો નથી. પરંતુ અત્યાધુનિક લેઝર મશીનથી સ્વર પેટી કાઢ્યા વિના સર્જરી શક્ય બની છે. નવી સિવિલમાં સિવિલમાં નવા લેઝર મશીન આવવાના કારણે હવે બે મહિલાઓની લેઝર મશીન દ્વારા સફળ સર્જરી કરવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે.
વધુ વિગતો આપતા એસોસિએટ પ્રોફેરસ ડો.દેવેન્દ્ર આર.ચૌધરીએ જણાવ્યું કે, લેઝર મશીનથી દર્દીની અન્નનળીને ખોલવામાં આવે છે, જેના કારણે સ્વરપેટી કાઢવામાં આવતી નથી. અગાઉ આવા ઓપરેશનો અમદાવાદ અને મુંબઈમાં થતા હતા. પરંતુ લેઝર મશીન આવવાના કારણે એસિડ પીનાર દર્દીઓની નવી સિવિલમાં જ સર્જરી શક્ય બની છે. આ મશીનથી ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર થતા દર્દીને ઝડપભેર સ્વસ્થ થઈ જાય છે. એસિડ પીવાના કારણે એક મહિલાની થોડા સમય પહેલા સફળ સર્જરી કરવામાં આવી હતી. જે સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે, જ્યારે આજે વધુ એક મહિલાની લેઝર મશીનથી સફળ સર્જરી કરવામાં આવી છે, મહિલાની સ્વાસ્થ્ય સુધારા પર છે. એક સપ્તાહ બાદ એન્ડોસ્કોપી કરી યોગ્ય જણાયે તેને રજા અપાશે એમ ડો.ચૌધરીએ ઉમેર્યું હતું.