New Parliament Building: આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દેશની સંસદીય પ્રણાલીમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સંસદના ચાલી રહેલા વિશેષ સત્રના બીજા દિવસે આજથી નવા સંસદ ભવનમાં સંસદીય કાર્યવાહી શરૂ થશે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મંગળવારે સાંસદો સંસદની નવી ઇમારતમાં શિફ્ટ થશે.
જો કે સોમવારે જૂના સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની કાર્યવાહી ચાલી હતી. પીએમ મોદીએ લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે આપણી સંસદીય વ્યવસ્થા માટે જૂની સંસદ જરૂરી છે પરંતુ હવે આઝાદીના આ સુવર્ણ કાળમાં અમે નવી સંસદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જેને લઈને સંસદ ભવનમાં આજે સેન્ટ્રલ હોલના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે.
સૌ પ્રથમ સભ્યોની ફોટોગ્રાફી થશે
ભારતની સંસદના સમૃદ્ધ વારસાને ઉજવવા અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેના સંકલ્પને ઉજવવા માટેનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે રાજ્યસભા અને લોકસભા બંનેના સાંસદોની હાજરીમાં યોજાશે. આ પહેલા સવારે 9.30 વાગ્યે લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો સંયુક્ત સમૂહ ફોટો હશે. પ્રથમ ફોટો લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સાથે લેવામાં આવશે. બીજા ફોટામાં માત્ર રાજ્યસભાના સભ્યો હશે અને ત્રીજા ફોટામાં લોકસભાના સભ્યો હશે. અને આજની કાર્યવાહીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.