રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા અંજના પવારના અધ્યક્ષસ્થાને સુરત ખાતે સફાઈ કામદાર યુનિયનો તથા અધિકારીઓ સાથે બેઠક યોજાઈઃ
સફાઈ કર્મચારીઓને આઈકાર્ડ, આવાસ તથા નિયમિત હેલ્થ ચેકઅપ કરવાનો અનુરોધ કરતા અંજના પવારઃ
કોરોના કાળ દરમિયાન જે સફાઈ કર્મચારીઓના મૃત્યૃ થયા હોય તેઓના પરિવારજનોને સત્વરે સહાય મળી રહે તે જરૂરી છેઃ
પત્રકાર પરિષદ દ્વારા સફાઈ કર્મચારીઓને લગતી વિવિધ યોજનાઓની વિગતો આપીઃ
ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષાશ્રીમતી અંજના પંવાર આજે સુરત જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે શહેર-જિલ્લાના વિવિધ સફાઈ કામદારના આગેવાનો/સફાઈ કામદારોના કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/યુનિયનોના પ્રતિનિધિઓ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના અધિકારીઓ સાથે સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ દ્વારા કામદારોને લગતી યોજનાઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે ઉપાધ્યક્ષાશ્રીમતી અંજના પવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે સફાઈ કર્મચારીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય તેઓનું પુર્નવસવાટ, સ્વરોજગાર યોજનાઓના લાભો મળી રહે તેમજ ગેસના ગુંગળામણને કારણે મૃત્યૃ થયેલા કામદારોના પરિવારજનોને સત્વરે સહાય મળી રહે તે માટે કાર્ય કરે છે. પ્રધાનમંત્રીશ્રી સફાઈ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવે છે. સ્વચ્છ ભારત મિશનમાં સફાઈ કર્મયોગીઓનો સિંહ ફાળો રહ્યો છે. આ કર્મયોગીઓનો સન્માન કરવું એ સૌની નૈતિક જવાબદારી છે.
તેમણે કહ્યું કે, કોરોનાકાળ દરમિયાન સફાઈ કર્મચારીઓને પોતાની જાનની પરવા કર્યા વિના સફાઈની કામગીરી કરી હતી. પાલિકા તથા જિલ્લામાં જે કોઈ સફાઈ કર્મચારીઓના કોરોના કાળ દરમિયાન મૃત્યૃ થયા હોય તેઓના પરિવારજનોને સત્વરે સહાય મળી રહે તે માટેની કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.
તેમણે સફાઈ કામદારો માટે સુપ્રિમકોર્ટના MS એક્ટ ૨૦૧૩ના કાયદા વિશેની જાણકારી આપતા જણાવ્યું કે, કોઈ પણ કર્મચારીઓને યોગ્ય સાધન સેફટી વિના સફાઈ માટે ગટરમાં ઉતારી શકાય નહી. ઝેરી ગેસના કારણે સફાઈ કર્મચારીનું અકસ્માતે મૃત્યૃ તો તેમના પરિવારજનોને રૂા.૧૦ લાખની સહાય મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવા માટે મનપાના અધિકારીઓને જણાવ્યું હતું. કર્મચારીઓને આઈકાર્ડ, યુનિફોર્મ મળી રહે તે જરૂરી છે. તેઓને આવાસીય કોલોની મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા દુતોને કામના સ્થળે રોલ કોલ સેન્ટર રૂમ ઉભા કરવા માટે પણ સુચના આપી હતી.
ઉપાધ્યક્ષાએ સફાઈ યુનિયનોના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી વિવિધ રજુઆતો જેવી કે, સફાઈ કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી આપવા, સફાઈ કર્મચારીઓને છુટા કરવાના ધોરણો, કર્મચારીઓની ભરતી કરવા, કામદાર યુનિયન માટે જમીનની ફાળવણી, આવાસીય સગવડ જેવા વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. તમામ પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરી હતી અને તેમાં આવતી સમસ્યા અંગે માર્ગદર્શન પૂરું પાડી આ પ્રશ્નોનું નિરાકરણ લાવીને રીપોર્ટ કરવાની તાકીદ કરી હતી.
બેઠક બાદ ઉપાધ્યક્ષાએ તાજતેરમાં પાલ ગામના ગૌરવપથ ખાતે ગટરમાં ઝેરી ગેસના કારણે એક વ્યકિતના મૃત્યૃ બાબતે સ્થળ મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક તથા પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષાનું પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલા, સુરત જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક મિતલબેન, મહાનગરપાલિકાના વિવિધ ઝોનના ડેપ્યુટી કમિશ્નરશ્રીઓ, વિવિધ સફાઈ કર્મચારીઓના યુનિયન પ્રમુખો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.