HomeAutomobilesIncrease Exports/એક્ષ્પોર્ટ વધારવા ચેમ્બર પ્રમુખે અનુરોધ કર્યો/India News Gujarat

Increase Exports/એક્ષ્પોર્ટ વધારવા ચેમ્બર પ્રમુખે અનુરોધ કર્યો/India News Gujarat

Date:

બારડોલીના ઉદ્યોગકારોને મિશન ૮૪માં જોડાઇને એક્ષ્પોર્ટ વધારવા ચેમ્બર પ્રમુખે અનુરોધ કર્યો

બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે યોજાયેલી મિટીંગમાં ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને નડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા વિશ્વાસ અપાવ્યો, સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત માટે આમંત્રણ આપ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે સોમવાર, તા. ૧૧ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ બારડોલી ખાતે બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલી મિટીંગમાં મહેમાન તરીકે હાજરી આપી હતી. જ્યાં ચેમ્બર ઓફ કોમર્સના બંને હોદ્દેદારોનું બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રવિણ અગ્રવાલ તથા અન્ય ઓફિસ બેરર્સ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ મિટીંગમાં બંને ચેમ્બર ઓફ કોમર્સ, દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ એકબીજાને કઇ રીતે મદદરૂપ થઇ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ બારડોલીની જીંજર હોટેલ ખાતે બારડોલીના ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ ટ્રેડર્સની સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ એગ્રી ઇન્ડસ્ટ્રી તથા અન્ય ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા બારડોલીના ઉદ્યોગકારોને મિશન ૮૪માં જોડાઇને એક્ષ્પોર્ટને વધારવા માટે અનુરોધ કર્યો હતો. તેઓને ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બનીને ઉદ્યોગ – ધંધાના હિતાર્થે ચેમ્બર દ્વારા કરવામાં આવતી વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં જોડાઇ સહકાર આપવા અનુરોધ કર્યો હતો, જે અંગે બારડોલીના ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સોએ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય બનવા માટે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

બારડોલીના ઉદ્યોગકારો તેમજ વેપારીઓએ SGCCI દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનો અને વિવિધ પ્રવૃત્તિઓની માહિતી તેઓને મળી રહે તે અંગે અનુરોધ કર્યો હતો. જે અંગે ચેમ્બર પ્રમુખે તેઓને જણાવ્યું હતું કે, બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તથા બારડોલીના વિવિધ એસોસીએશનોના હોદ્દેદારોને SGCCI તરફથી દરેક માહિતી આપવામાં આવશે અને તેઓ તમારા સુધી આ તમામ માહિતી પહોંચાડશે, જેથી કરીને ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક પ્રદર્શનોમાં ભાગ લઇ શકાય.

આ ઉપરાંત ચેમ્બર પ્રમુખે સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થા તેમજ ઔદ્યોગિક એસોસીએશનોને મજબૂત કરવા તેમજ તેની સભ્ય સંખ્યા વધારવા માટે પોતાના અનુભવ પરથી માર્ગદર્શન આપ્યું હતું. SGCCI એ બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે મોટા ભાઇની જેમ રહીને તેઓને મદદરૂપ થશે અને તેમના નાના – મોટા ઔદ્યોગિક પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક અધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.

તદુપરાંત ચેમ્બર પ્રમુખે બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા ઉદ્યોગકારો, વેપારીઓ અને ટ્રેડર્સોને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કરી આગામી દિવસોમાં બારડોલીના ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવશે તેમ જણાવ્યું હતું.

SHARE

Related stories

Latest stories