કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા માંડવી રાઈસ મિલ ખાતે શિયાળુ જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ તથા કિસાન ગોષ્ઠિ યોજાઈ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા માંડવી રાઈસ મિલ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી ડો.નિકુલસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શિયાળુ જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ તથા કિસાન ગોષ્ઠિ યોજાઈ હતી. જેમાં માંડવી તાલુકાના જુવારની ખેતી કરતા ૨૫થી વધુ ખેડૂતોએ તાલીમ મેળવી હતી.
ડો.નિકુલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૨૦૨૩ નું વર્ષ એ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરાયું છે. આપણી પારંપરિક ખેતપેદાશો, જાડાધાન-મિલેટ્સને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની સફળતા યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી મેળવી છે. મિલેટ્સની ખેતી ભારતમાં સદીઓથી થાય છે. સિંધુ ખીણ સભ્યતા-ઇન્ડસ વેલીમાં મિલેટ્સની ખેતી અને તેના આહાર અંગેના પૂરાવા મળેલા છે. મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બ્રેઈન સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે. આ ઉપરાંત, હલકા ખાતર જંતુનાશક દવાના ઉપગોય વગર ધાન્ય પાકોનું કોઈ પણ પ્રકારની જમની અને કોઈપણ ઋતુમાં કરી શકાય છે તથા તેના સ્વાસ્થ્યના ફાયદા સમજાવી ખેડૂતોને હલકા ધાન્ય ઉગાડવા તેમજ બહેનોને વિવિધ વેલ્યુ એડિશનની પ્રોડક્ટ બનાવવાની તાલીમ અંગે પ્રોત્સાહિત અને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કેવીકે સુરતના વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન) એસ.જે.ત્રિવેદીએ વૈજ્ઞાનિક રીતે શિયાળુ જુવારની નવી જાત ફુલે રેવતીની વાવણીથી લઈને કાપણી સુધીની તબક્કાવાર માહિતી આપી હતી. વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક અને તેમજ કે.વી.કે.ના વડા ડો.જનકસિંહ રાઠોડે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને સમજણ પૂરી પાડી હતી. આ ઉપરાંત, યુનિવર્સિટી પ્રોડક્ટ નોવેલ, ફેરોમેન ટ્રેપ, સ્ટીકી ટ્રેપ તથા બાયો ફર્ટીલાઈઝરનો વધુ ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતુ.
આ તાલીમમાં રાઈસ મિલના મેનેજર પ્રવિણસિંહ મહિડા, મોરીઠા ગામના સામાજિક કાર્યકર રામસિંગભાઈ ચૌધરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.