શેરડી પાકની સફેદ માખીના નિયંત્રણ માટે ખેડૂતોને માર્ગદર્શક સુચનોઃ
શેરડીના પાકમાં સફેદમાખીનો સૌથી વધુ ઉપદ્રવ જુલાઇ, સપ્ટેમ્બર–ઓક્ટોબર માસ દરમિયાન જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત પાનની પેશીઓમાંથી સતત રસ ચૂસીને નુકસાન કરે છે. નુક્સાનવાળા પાન બચ્ચા અને કોશેટાઓથી છવાયેલા રહે છે. ઉપદ્રવિત પાક નબળો, પીળા રંગનો કે ગુલાબી રંગનો થયેલો દૂરથી પણ જોઈ શકાય છે. વધુ પડતા ઉપદ્રવમાં પાન પર મધ જેવા પ્રવાહીમાં ફુગનો વિકાસ થવાથી પાન કાળા પડે છે. પરિણામે આવી શેરડી પશુઓને ખાવાલાયક રહેતી નથી. ઉપદ્રવિત પાકમાં ખાંડના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. આથી ગોળ અને ખાંડની ગુણવત્તા તેમજ પાક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
આ જીવાતના નિયંત્રણ માટે નીચાણવાળા,પાણી ભરાય તેવા ખેતરમાં તથા ક્ષારીય ભાસ્મિક જમીનમાં સફેદમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. તેથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. ભલામણ મુજબ નાઈટ્રોજન અને ફોસ્ફરસયુકત ખાતરોનો ઉપયોગ કરવો. રોપાણ પાક કરતાં લામ પાકમાં ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી એક કરતાં વધુ લામ પાક લેવા નહીં. રસાયણિક દવાઓમાં એસીફેટ ૭૫ એસપી ૧૨ ગ્રામ, ડાયમીથીએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સફેદમાખીના જૈવિક-વ-યાંત્રિક નિયંત્રણ માટે એનકાર્સીયા ઈસાકી તેમજ એનકાર્સીયા મેક્રોપ્ટેરા જેવા પરજીવીઓની વૃદ્ધિ કરવા વિકસાવેલ પાંજરાનો ઉપયોગ કરવો.
વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.