‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવાની પહેલ: માંડવી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના ખરીદ-વેચાણની તક
ફળ, શાકભાજીની પેદાશો સાથે આંબાની વિવિધ કલમો, નારિયેળીના રોપા અને ચોખા-ડાંગરની દેશી જાતો ખરીદવાની તક
‘સ્વસ્થ ભારત’ના નિર્માણ તરફ આગેકૂચ કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ માધ્યમ થકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા સુરત જિલ્લાના માંડવી સ્થિત ધી માંડવી હાઈસ્કુલની સામે ખેડૂતોને તેમની ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બુધવાર અને શનિવારના રોજ સવારે ૧૦:૦૦થી સાજે ૬:૦૦ વાગ્યા સુધી વિવિધ સ્ટોલ્સમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું ખરીદ-વેચાણનું આયોજન કરાયુ છે.
અહીં મુખ્યત્વે શાકભાજીના પાકો (કારેલા, ભીંડા, પરવળ, ગીલોડા, રીંગણ, ચોળી, દુધી, તુરિયા, ગલકા વગેરે) ફળપાકો (કેળા, પપૈયા, ડ્રેગનફ્રુટ વગેરે) તેમજ લાલકડા, આંબામોર, કૃષ્ણકમોદ, બંગાલો, દેવલી, કોલમ જેવી દેશી ડાંગરની જાતોના ચોખાનું વેચાણ કરવામાં આવશે. માંડવી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સ્થળ પર આવી પોતાના ખેત પેદાશોનું વેચાણ કરશે, જેનો નગરજનો તેમજ આસપાસના ગ્રામજનોને લાભ લેવા અનુરોધ છે.