સુરત આર.ટી.ઓ. દ્વારા શહેરની એકસપરીમેન્ટલ તથા જીવનભારતી શાળામાં માર્ગ સલામતી કાર્યક્રમો યોજાયા
૧૨00થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ અંગે માહિતગાર કરાયા
ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી તથા સુરત RTO અને સુરત શહેર ટ્રાફિક પોલિસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અઠવાલાઇન્સ સ્થિત એક્સપરિમેન્ટલ અને નાનપુરા સ્થિત જીવનભારતી શાળામાં ‘રોડ સેફટી ટ્રાફિક એજ્યુકેશન’ કાર્યક્રમ યોજાયો હતો. નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી મળે અને રોડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય એ હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સુરક્ષા અંગે માહિતગાર કરાયા હતા.
જેમાં રસ્તા પર ચાલવા, સાયકલ/વાહન ચલાવવા, પગપાળા ચાલવુ, રોડ ક્રોસિંગ ,રોડ માર્કિંગ, રોડ સાઇન, વાહનની સ્પીડ, હેલમેટ અને સીટબેલ્ટ તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા મુદ્દાઓ વિષે માહિતી આપી ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી માર્ગ સુરક્ષા માટેનાં નિયમોનું મહત્વ સમજાવ્યું હતું.
આ સાથે જ તેઓને સ્પીડગન અને ઇન્ટરસેપ્ટરવાન વિષે માહિતી આપી હતી. વાહન હાંકતી વખતે સ્ટંટ કરવાનું તેમજ ૧૬ વર્ષથી નાની ઉંમરમાં ડ્રાઇવિંગ ટાળવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે શિક્ષકો-વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમાં બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી તેમની વિવિધ મૂંઝવાનોનું નિવારણ પણ લાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ કાર્યક્રમમાં ટ્રાફિક શાખા રિજિયન-3ના ACP શ્રી બી.એસ.મોરી,
આર.ટી.ઓ ઓફિસના ઈસ્પેકટર શ્રી જે.કે. મૈસુરીયા,પ્રેસિડેન્ટ DTEWS, રોડ સેફ્ટી ટ્રેઈનરશ્રી બ્રિજેશ વર્મા, SGCCIના ચેરપર્સન શ્રીમતી કામિનીબેન ડુમ્મસવાલા અન્ય કમિટીસભ્યો તથા મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.