ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પદ સ્વીકૃતિ સમારોહ યોજાયો
ભારત સરકાર જ્યારે એક્ષ્પોર્ટ માટે નવી ક્ષિતિજોનું નિર્માણ કરી રહી છે ત્યારે આ તકનો લાભ ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે પદ સ્વીકૃતિ સમારોહ યોજાયો હતો. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પાયાના શિલ્પીઓ એવા ગૃપ ચેરમેનો તથા વિવિધ કમિટીઓના ચેરમેનો, કો–ચેરમેનો, એડવાઇઝરોને પોતપોતાના પદની જવાબદારી સોંપવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણ અંતર્ગત પદ સ્વીકૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બર દ્વારા વિવિધ ૧૦૦થી વધુ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં જુદા–જુદા ઉદ્યોગોમાં રહેલી વિકાસની તકો તેમજ ઉદ્યોગોના પ્રશ્નોની ચર્ચા કરી તેના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગૃપ ચેરમેનો તથા વિવિધ કમિટીઓના ચેરમેનો, કો–ચેરમેનો અને એડવાઇઝરોને નિમણૂંક પત્રો આપીને પોતપોતાના પદની જવાબદારી સોંપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ૮૪ દેશોના માર્કેટ યુવા ઉદ્યોગ સાહસિકો માટે ઓપન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહયા છે. સુરત સહિત ગુજરાતના કેટલાક યુવા ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા થઇ, જેમાં જાણવા મળ્યું કે તેઓ રૂપિયા ૧૦–ર૦ કરોડનો વર્ષે બિઝનેસ કરી રહયા છે ત્યારે આ ઉદ્યોગ સાહસિકોની સાથે નેટવર્કીંગ કરી તેઓના માટે માહોલ ઉભો કરી તેઓને નોલેજ આપવાની જરૂર છે.
ભારત સરકાર જ્યારે એક્ષ્પોર્ટ માટે નવી ક્ષિતિજોનું નિર્માણ અને વહન કરી રહી છે ત્યારે આ તકનો લાભ ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોને મળી રહે તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. આવા પ્રયાસો થકી ભારતની જીડીપીમાં સહયોગ આપી શકાશે. તેમણે સમારોહમાં પદ સ્વીકૃતિ કરનાર તમામને વિશ્વના ૮૪ ઉપરાંત અન્ય દેશોમાં પણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાવટા ફરકતા થાય તેવો પ્રયાસ કરવાની હાંકલ કરી હતી.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી તેનો ઉદેશ્ય સમજાવ્યો હતો. ચેમ્બરના સભ્ય સ્વાતિ શેઠવાલાએ સમારોહમાં પ્રાર્થનાનું પઠન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો તેમજ વિવિધ કમિટીઓના ચેરમેનો, કો–ચેરમેનો અને એડવાઇઝરો ઉપસ્થિત રહયા હતા.