વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના સરોલી ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો
‘મારી માટી મારો દેશ’ અભિયાનથી સમગ્ર દેશના દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થશે : મંત્રી મુકેશભાઈ પટેલ
રાજ્ય મંત્રી દ્વારા શિલાફલકમનું અનાવરણ, પંચ પ્રતિજ્ઞા ગ્રહણ, વૃક્ષારોપણ, ધ્વજ વંદન અને શહીદ સ્મૃતિ વંદના કરાયું
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના સરોલી ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો હેતુ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કારવાનો છે. અને મુખ્ય ૫(પાંચ) થીમ પર આધારિત આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.
હાથમાં તિરંગા અને દેશભક્તિની ધૂન સાથે પોલીસ જવાનો તેમજ ગ્રામજનો સંગ સરોલી ગામમાં તિરંગા યાત્રા યોજી સમગ્ર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ યોજાયો હતો. અભિયાન વિષે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા દેશવ્યાપી શરૂ કરાયેલા આ અભિયાનથી સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થશે. અને દેશભરની પંચાયતોથી એકત્ર કરાયેલી માટી એકતાના પ્રતિક સ્વરૂપે દિલ્હીના કર્તવ્ય પથ પર લઈ જય ‘અમૃત મહોત્સવ સ્મારક’ તરીકે ‘અમૃત વાટિકા’મા ભળી જશે.
તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકાના કુલ ૧૦૮ ગામોમાંથી ૯૦ ગામમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઇ ચૂક્યો છે. બાકીના ૧૮ ગામોમાં પણ સત્વરે યોજવામાં આવશે. ઓલપાડ વિસ્તારમાં થયેલા રોડ, રસ્તા, મકાન અને ડ્રેનેજનાં વિકાસ કામ તેમજ મોર ગામે ખારા પાણીને મીઠું બનાવવા સ્થપાયેલા પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટ વિષે માહિતી આપી હતી. સાથે જ ઓલપાડના ગ્રામજનોને આગામી સમયમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાની ખાત્રી આપી હતી.
આ અવસરે યોજાયેલી તિરંગા યાત્રાને આખા ગામમાં ફેરવી મંત્રી મુકેશભાઇએ ઘર ઘરથી અમૃત કળશમાં માટી એકઠી કરી હતી. તેમજ વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાની સાથે સેલ્ફી લીધી હતી. સાથે જ વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ અને વીરોને વંદન સહિત અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ, તા.પં. ઉપપ્રમુખ જશુબેન વસાવા, સરપંચશ્રી સ્મિતાબેન પટેલ અને ડેપ્યુટી સરપંચશ્રી રાકેશભાઈ, પ્રાંત અધિકારીશ્રી ચેતનભાઈ ઉઘાડ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષશ્રી જયેશભાઈ પટેલ, પંચાયત સભ્ય શ્રીમતી હસુબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.