HomeBusiness'Nari Vandan Utsav'/મહિલાઓને સ્વસ્થ, સુશિક્ષિત અને સશક્ત બનાવતો 'નારી વંદન ઉત્સવ'/India News...

‘Nari Vandan Utsav’/મહિલાઓને સ્વસ્થ, સુશિક્ષિત અને સશક્ત બનાવતો ‘નારી વંદન ઉત્સવ’/India News Gujarat

Date:

મહિલાઓને સ્વસ્થ, સુશિક્ષિત અને સશક્ત બનાવતો ‘નારી વંદન ઉત્સવ’

નારી ઉત્સવ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાયો મહિલા ‘સ્વરોજગાર મેળો’

રોજગારી મેળામાં આવેલી ૮ કંપનીઓની ૨૯૫ ખાલી જગ્યાઓ પર ૧૬૭ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ઉજવાય રહેલા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત રોજગાર વિભાગ-સુરતના સહયોગથી તૃતીય દિન- ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે પીપલોદ સ્થિત વીર નર્મદ યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના પ્રાર્થના હોલ ખાતે મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો હતો.જેમાં રોજગાર વાંછુક ૪૦૦થી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો.
બેંક, ડિજિટલ પ્રેસ, માર્કેટિંગ અને મેનેજમેન્ટ સહિતની રોજગારી આપનારી ૮ કંપનીઓની ૨૯૫ ખાલી જગ્યાઓ પર ૧૬૭ મહિલા ઉમેદવારોએ પ્રાથમિક પસંદગી મેળવી હતી.
આ કાર્યક્રમમાં મહિલાઓને સ્વાવલંબી બનવા પ્રોત્સાહિત કરતા વીર નર્મદ યુનવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં અવનવા ઉદ્યોગો સાથે રોજગારીની પુષ્કળ તકો ઉપલબ્ધ થાય છે. જેનો લાભ લઈ મહિલાઓને આગળ વધવા અને આર્થિક આત્મનિર્ભરતા કેળવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
સાથે જ કુલપતિએ નવી શિક્ષણ નીતિની ઊંડાણપૂર્વક સમજ આપી ૧૨ વર્ષની ઉંમર બાદ વિવિધ ક્ષેત્રે થતા સર્ટિફિકેટ કોર્ષ વિશે માહિતી આપી હતી. આ કોર્સિસ મારફતે મહિલાઓને મનગમતા વિષયોમાં જ્ઞાન મેળવી વ્યાવસાયિક ક્ષેત્રે તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે કાર્યરત ૫૦૦થી વધારે સર્ટિફિકેટ કોર્સ વિશે પણ વિગતે છણાવટ કરી હતી.
રોજગાર વિભાગના સી.એન.વી.ઇન્સ્પેકટર હેત્વી દેસાઇએ યુગયુગાંતરથી સમાજના વિવિધ ક્ષેત્રે પોતાનાં યોગદાનથી દેશ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનો ફાળો આપતી ગૌરવશાળી મહિલાઓની વાત કરી હતી. તેમણે ભારતીય પરંપરા અને તેની વિશેષતાઓ સમજાવી ભારતીય મહિલાઓને વિદેશી મહિલાઓ સાથે સરખામણી નહિં કરવા તેમજ પોતાની પરંપરાને અનુસરી આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદનાં સાર્થક આર્ટ ફાઉન્ડેશન દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આવતી યોજનાઓ વિષે જ્ઞાન આપી ગમ્મત કરાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, નાના ઉદ્યોગોને સહાય કરતી મહિલા અધિકારીતા યોજના, પ્રધાન મંત્રી ફ્રી સિલાઈ મશીન સહિતની યોજનાઓ અને રોજગાર કચેરીની અનુબંધમ એપ્લિકેશનની માહિતી પણ આપી હતી.સાથે જ કુલપતિ ડૉ. કિશોરસિંહ દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સ્વરોજગાર મેળામાં મહિલાઓને વાજપાઈ બેંકેબલ યોજના વિષે માહિતગાર કરાઇ હતી અને કાર્યક્રમના અંતમાં મહિલા અને બાળ અધિકારી બી.જે.ગામીતે મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.
આ પ્રસંગે યુનિ. સબ રજીસ્ટ્રાર આર સી.ગઢવી, દહેજ પ્રતિબંધિત સહરક્ષણ અધિકારી ડી.પી.વસાવા, મહિલા અને બાળ વિકાસના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર સ્મિતાબેન પટેલ, જેન્ડર નિષ્ણાંત મહેશભાઇ પરમાર, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories