અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તીડનું ઝૂંડ ત્રાટકતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. ખેડૂતો દ્વારા હાકલા-પોકાર અને થાળી વગાડીને તીડને ભગાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ ખેડૂતોએ આ અંગે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યના કૃષિ મંત્રી આર.સી ફળદુએ તીડના નાશ માટે સરકાર સુસજ્જ હોવાનો દાવો કર્યો હતો.
રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે, રાજયના અમુક વિસ્તારોમાં તીડના ટોળા છુટા છવાયા જોવા મળ્યા છે. રાજયમાં હાલ તીડ પ્રભાવિત વિસ્તારમાં અંદાજીત સરેરાશ ૧૫૦ થી ૨૦૦૦ પ્રતિ હેક્ટર તીડ ની સંખ્યા જોવા મળેલ છે. આ તીડ પ્રભાવિત વિસ્તારમાં કોઇ પાકને નુકશાન થયુ નથી. સંભવિત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે. રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે. જેના ટોળા હજારો માઇલ દુરના દેશોમા જઇ ખેતી પાકોને મોટુ નુકશાન કરે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ રણતીડની હાજરી તા.૦૮મી મેના રોજ બનાસકાંઠાં જીલ્લાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં જોવા મળ્યા હતા.ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૦૯ જીલ્લા જેવા કે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી ના કુલ ૧૨ તાલુકાના ૩૧ ગામોમાં તીડ જોવા મળેલ હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કુલ ૨૭૬ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં ૯૯૨૫ હેક્ટર વિસ્તાર સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમ્યાન કુલ ૧૯૦ હેક્ટર વિસ્તારમાં રણ તીડની હાજરી જોવા મળેલ હતી. તે પૈકી કુલ ૧૧૨ હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવા દ્વારા તીડનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. હાલમાં નિયંત્રણની કામગીરી ચાલુ છે. અન્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા થાળી તથા અન્ય સાધનો વડે અવાજ કરી તીડને ભગાડી રહ્યાં છે. રાજ્યના રણ વિસ્તાર તથા ખેતી પાકો સિવાયના વિસ્તારમાં ભારત સરકારના તીડ નિયંત્રણ એકમ દ્વારા મેલાથિઓન ૯૬% જંતુનાશક દવાથી અંદાજીત ૨૧ લીટર તેમજ રાજ્ય સરકારશ્રી દ્વારા તીડ નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ ૨૦ ઇસી અને ૫૦ ઇસી જંતુનાશક દવાનો અંદાજીત ૧૭૩ કિ/લી. નો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવ્યુ છે. તીડના સ્થળાંતર અંગે લોકેશન મેળવીને તેના નિયંત્રણ કરવા માટે રાજ્ય તથા જીલ્લાના અધિકારીઓ ભારત સરકારની તીડ નિયંત્રણ એકમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. તીડ પ્રભાવીત જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે. તીડ નિયંત્રણ અંગે ફિલ્ડ સ્ટાફની તાલીમ પણ આપવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ તીડ સર્વે તથા તેના નિયંત્રણ માટે જરૂરી વાહનો, વાહન સંચાલિત સ્પ્રેયર-ટેંન્કર તેમજ અન્ય સાધન સામગ્રીની અધ્યતન યાદી તૈયાર રાખી છે. તેમજ રાજ્યમાં તીડ નિયંત્રણ માટે જરૂરી જંતુનાશક દવાની સમયસર ઉપ્લબ્ધી થાય તે માટે ઉત્પાદક કંપનીઓ સાથે લાયઝન કરવામાં આવેલ છે.