HomeGujarat"Goverment School Came But"/India News Gujarat

“Goverment School Came But”/India News Gujarat

Date:

‘એક સરકારી શાળા આવી પણ…’

કામરેજ તાલુકાના વાવ ગામની સરકારી પ્રાથમિક શાળાની અનોખી ટીચિંગ લર્નિંગ મટિરિયલ(TLM) આધારિત શિક્ષણ પદ્ધતિ

૪૨૯ વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ મહિલા સ્ટાફ ધરાવતી કામરેજ તાલુકાની આધુનિક, સ્વચ્છ, સ્માર્ટ ‘વાવ પ્રાથમિક શાળા’

ગામના સેવાભાવી દાતાઓની સહાયથી વિશાળ સ્માર્ટ વર્ગખંડ, કમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, એક્ટિવિટી રૂમ, પ્રાર્થના હૉલ, સાંસ્કૃતિક હૉલ અને મધ્યાહન ભોજન શેડ જેવી સુવિધાઓ

સુરતથી લગભગ ૨૦ કિ.મી. દૂર કામરેજ તાલુકામાં આવેલા નાનકડા ગામ ‘વાવ’માં આવેલી સરકારી ‘વાવ પ્રાથમિક શાળા’ શહેરોની ખાનગી શાળાઓને પણ શરમાવે તેવી છે. ધોરણ ૧ થી ૮માં ૨૧૩ કુમાર અને ૨૧૬ કન્યાઓ સાથે ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ મહિલા સ્ટાફ ધરાવતી વર્ષ ૧૮૮૩થી કાર્યરત ‘વાવ પ્રાથમિક શાળા’ અનોખી ટીચિંગ લર્નિંગ મટિરિયલ(TLM) આધારિત શિક્ષણ પદ્ધતિથી સુરત જિલ્લામાં ખ્યાતિ પામી છે. શાળાના નિષ્પત્તિ આધારિત(TLM) વિશાળ વર્ગખંડોને નિહાળવા માટે સુરત શહેરની વિખ્યાત સ્કૂલોના સંચાલકો પણ અવારનવાર મુલાકાત લે છે. વાવની આ આધુનિક, સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં ગામના સેવાભાવી દાતાઓની સહાયથી વિશાળ સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, એક્ટિવિટી રૂમ, પ્રાર્થના હૉલ, સાંસ્કૃતિક હૉલ અને મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
બાળકની સફળતામાં શિક્ષકોનો ફાળો અતિ મહત્વનો હોય છે. આ વાતને ચરિતાર્થ કરતા આ શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ વાવ શાળાને સ્માર્ટ, આધુનિક અને પ્રગતિશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. તેમના પ્રયાસોથી આધુનિક ટેકનોલોજી ધરાવતી કમ્પ્યુટર લેબ, દરેક વિષય અને ભાષાના જ્ઞાનવર્ધક પુસ્તકોથી સુસજ્જ લાયબ્રેરી, ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની ચોક્કસ સમજ માટે તૈયાર કરાયેલો એક્ટિવિટી રૂમ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ૧૮૮૩ના વર્ષમાં શરૂ થયેલી પ્રાથમિક શાળાને રૂ.બે કરોડનું દાન મેળવી મોટી કોલેજના આધુનિક ભવન જેવી આધુનિક સુવિધાથી સુસજજ કરવાનું કામ એક આદર્શ શિક્ષિકા-આચાર્યા એવા પ્રજ્ઞાબહેન પટેલ તથા તેમના સહકર્મચારીઓના ફાળે જાય છે.
આધુનિક મકાન સિવાયની વિશેષતાઓ પર નજર કરીએ તો, ગણિત, વિજ્ઞાન, ભાષાકીય જ્ઞાન, સામાજિક જ્ઞાન જેવા વિષયો માટે વિવિધ મોડ્યુલ્સ આધારિત ટીચિંગ લર્નિંગ મટિરિયલ(TLM) પદ્ધતિથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. કોન્સેપ્ટ આધારિત લર્નિંગની સાથોસાથ બાળકોને પ્રોજેક્ટર અને સ્માર્ટ ટીવીની મદદથી ભણાવી સમય સાથે અપડેટેડ રાખવામા આવે છે. જેના કારણે ના માત્ર અન્ય સરકારી શાળાઓ પણ અનેક ખાનગી શાળાના બાળકો અને શિક્ષકો પણ સમયાંતરે આ શાળા અને તેના વર્ગખંડોની મુલાકાતે આવે છે.
શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થી તરીકે ધો.૧ થી ૪માં આ જ શાળામાં અભ્યાસ કર્યો હોવાથી સ્વાભાવિક રીતે આ શાળા સાથે મારી પ્રત્યક્ષ લાગણી જોડાયેલી છે. અને એટલે જ વર્ષ ૨૦૧૨થી અહીં આચાર્યનો પદભાર સંભાળતા જ મેં શાળાની ઉન્નતિ માટેના પ્રયત્નો કર્યા છે. મેં જાતે જ તમામ મટિરિયલ પ્રિપેર કર્યું છે. અમે નિયમિત રીતે બાળકોને વિવિધ વિષયો માટે આવશ્યક પ્રેક્ટિકલ નોલેજ પૂરૂ પાડતી સંસ્થાકીય મુલાકાતો પણ કરાવીએ છીએ. પુસ્તકિયા જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ લાઈફ ટ્રેનિંગ માટે દર વર્ષે ધો.૬થી ૮ના બાળકોની ખાસ સમિતિ તૈયાર કરી તેઓને NDRFની ટીમ દ્વારા આગ, પૂર, ભૂકંપ, કરંટ લાગવા જેવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં પોતાની અને અન્યોના જીવન-રક્ષણની નિષ્ણાંતો પાસે તાલીમ અપાવીએ છીએ.
વાવની વસ્તી ૨૦ હજારની છે, અહીં મોટા ભાગનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી મહત્તમ શ્રમિક વર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે. આ બાળકોના ઉત્થાન માટે શક્ય તેટલા પ્રયાસો કરવાનો પ્રારંભથી જ નિર્ધાર કર્યો હતો એમ પ્રજ્ઞાબેન પટેલે ઉમેર્યું હતું.
આ શાળામાં બાળકોના હેલ્થ અને હાઇજીનને ધ્યાને લઈ હાથ ધોવા માટે પગ દ્વારા સંચાલિત વિશેષ મશીન પણ મૂકવામાં આવ્યા છે. શાળામાં મધ્યાહન ભોજન, ગણવેશ સહાય તેમજ શિષ્યવૃત્તિ સહિતની તમામ સરકારી યોજનાઓનો પણ બહોળો લાભ આપવામાં આવે છે.
બાળકોને ‘લર્ન વિથ ફન’ પદ્ધતિથી શિક્ષણ આપનાર આ શાળામાં શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ અંતર્ગત સમયાંતરે વિશેષ દિન/પર્વની ઉજવણી થાય છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને જ્ઞાન અને મનોરંજન પૂરૂ પાડતી સ્પર્ધાઓ અને કસોટીઓ નિયમિતપણે યોજવામાં આવે છે. અહીં ધોરણ ૭-૮ની કન્યાઓને ભવિષ્યમાં ઉપયોગી નીવડે તે માટે વિશિષ્ટ વ્યવસાયલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જેમાં તોરણ, વોલ હેંગિંગ, બંગડી, પર્સ, મેરેજ સામાન ડેકોરેશન, આર્ટીફિશ્યલ ઘરેણાં વગેરે બનાવતા શીખવવામાં આવે છે. તેમજ વર્ષમાં બે વાર ફ્રી મેડિકલ ચેકપ યોજાય છે.
‘ગુરૂ ગૌરવ અવોર્ડ’થી સન્માનિત શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલની રાહબરી હેઠળ શાળાના શિક્ષકો સહિત તમામ શિસ્તબદ્ધ સ્ટાફ પણ બાળકોમાં શિસ્ત અને સંસ્કારના પાઠ ભણાવી બાળકોને પુસ્તક અને જીવનનું વ્યવહારૂ જ્ઞાન પ્રદાન કરે છે. પ્રજ્ઞાબેનના વિશેષ પ્રયત્નો અને યોગદાનને કારણે વાવ પ્રા.શાળાને શ્રેષ્ઠ શાળા, સ્વચ્છ શાળા તેમજ રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ શ્રેણીમાં અનેક ઍવોર્ડ મળી ચૂક્યા છે.

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેકવિધ એવોર્ડ મેળવી ચૂકી છે વાવ પ્રા.શાળા
. . . . . . . . . . . .
નાનકડા વાવ ગામની પ્રા.શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં “લાઇફ સેલ” કૃતિમાં રાષ્ટ્ર કક્ષાએ ભાગીદારી નોંધાવી,જે રાજ્ય કક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામી હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં “સોયલેન્ટ પ્રોજેક્ટ ઉપરાંત “ધરતી ઉપરનું જાદુઈ વૃક્ષ સરગવો” “સ્પાયુરૂલીના ફૂડ ફોર ફીચર”, “પૃથ્વી ઉપરનું સંજીવની બીજ અળસી”, “મેઝિક મોડેલ ફોર બેઝિક મેથ્સ” જેવા પ્રોજેક્ટ સાથે સતત ૬ વર્ષ સુધી રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત “બેઝિક મોડેલ ફોર મેથ્સ” ઈનોવેશનમા રાજ્યકક્ષાએ ભાગીદારી, “નૃત્ય સ્પર્ધા”માં પણ રાજ્યકક્ષાએ ભાગીદારી, રાજ્યકક્ષાનો ‘ગુરૂ ગૌરવ એવોર્ડ” જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ ઘણા એવોર્ડ આ શાળાને પ્રાપ્ત થયા છે.
. . . . . . . . . . . .

SHARE

Related stories

Latest stories