HomeGujaratAn Ancient Gurukula Traditional Practice Method/India News Gujarat

An Ancient Gurukula Traditional Practice Method/India News Gujarat

Date:

આધુનિક શિક્ષણની બોલબાલા વચ્ચે પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખતા પલસાણા તાલુકાની કણાવ પ્રાથમિક શાળાના બાળકો

વિદ્યાના મંદિરમાં અભ્યાસ માટે આવતા બાળકો વર્ગખંડમાં બુટ-ચપ્પલ નથી પહેરતા

જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઝળક્યા છે કણાવ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને દર વર્ષે ગામના આગેવાનોના આર્થિક સહયોગથી ગણવેશ અને બુટનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવે છે: મુખ્ય શિક્ષક જિગિષાબેન પટેલ

કણાવ પ્રાથમિક શાળાએ પ્રાચીન ગુરૂકુળ પરંપરાને જીવંત રાખી છે

શાળામાં બાળક રડતું નહીં, પણ ‘હસતું’ આવે તે શાળા શ્રેષ્ઠ કહેવાય. ભાર વગરના ભણતર સાથેનું જોયફૂલ લર્નિંગ જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. આ વાતની પ્રતીતિ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશતા થયા વિના ન રહે. ૧૦૦ વર્ષ જૂની પ્રાથમિક શાળામાં પટાંગણથી લઈ સ્માર્ટ ક્લાસ સુધી સુધાર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં આજે શાળાની તસવીર સંપૂર્ણ હકારાત્મક રીતે બદલાઈ ચૂકી છે. શાળા તો સ્માર્ટ બની જ, સાથોસાથ અહીંના બાળકો પણ સ્માર્ટ બન્યા છે. આજે ચારેકોર આધુનિકતાની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે.
આ શાળાના બાળકો શાળાને ખરા અર્થમાં વિદ્યાનું મંદિર ગણે છે. એટલે જ તેઓ વર્ગખંડની બહાર જ બુટ-ચપ્પલ કાઢી નાખે છે. આ પ્રકારની અનેક સુટેવો અપનાવી છે. શાળામાં દાખલ થઈએ એટલે સ્વચ્છતા જોઈને ચકિત થઈ જઈએ. ક્યાંય ના કાગળની કોઈ ચબરખી, ના કોઈ પાઉચ, ના પાણીનો રેલો કે ના કાંઈ કચરો. ચારે બાજુ સુંદર ફૂલછોડ અને ઉછરતા વૃક્ષો જોઇને એવું લાગે જાણે કોઈ ગુરૂકુલમાં આવ્યા હોઈએ..
સમયનો સદુપયોગ કેમ કરવો એ વાત આ બાળકો પાસેથી શીખવા જેવી છે. અહીંના બાળકો મધ્યાહન ભોજન વેળાએ પોતાનું ભાણું પીરસાય ત્યાં સુધી દરરોજ વારા પ્રમાણે અલગ-અલગ ધોરણના બાળકો ઘડીયાનું રટણ કરે છે અને સૌ સાથે મળીને કંઠસ્થ કરે છે. કહેવાય છે કે, જમતી વેળાએ જેવું સ્મરણ એવું આચરણ થાય એ કણાવ ગામની પ્રાથમિક શાળાના બાળકો સુપેરે સમજે છે, એટલે જ તેઓ ભોજન પીરસાય એ દમિયાનના સમયનો ઉપયોગ અભ્યાસને દ્રઢ કરવામાં કરે છે.
શાળાના HTAT મુખ્ય શિક્ષક જિગિષાબેન પટેલે જણાવ્યું કે, કણાવ શાળાએ ગુરૂકુળ પરંપરાને જાળવી રાખી છે. તા.પમી જૂન ૧૯૦૬ માં શાળાની સ્થાપના થઈ હતી. સમય જતા અભ્યાસ માટે આવતા બાળકોમાં ક્રમશ: વધારો થતા શાળાના નવા ઓરડા બનાવાયા. અમે શાળાને નંદનવન સમાન બનાવવાનું ધ્યેય રાખ્યું હતું, જેથી શાળાએ આવતું બાળક જરાય ન કંટાળે. વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઝળક્યા છે. ખેલ મહાકુંભ, કલામહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સિદ્ધિઓ મેળવી છે.
૧૦૦ વર્ષની આ શાળાની પ્રગતિ-ઉન્નતિમાં સૌ શિક્ષકો, સ્ટાફગણ, ગ્રામજનો, વાલીઓ અને રાજ્ય સરકારનો સહિયારો ફાળો રહ્યો છે. વિદ્યાર્થીઓને દર વર્ષે ગામના આગેવાનોના આર્થિક સહયોગથી ગણવેશ અને બુટનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવે છે એમ તેઓ જણાવે છે.
નોધનીય છે કે, શાળાના બાળકો માટે કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, આઉટડોર રમતો રમવા માટેનું ગ્રાઉન્ડ, ગાર્ડન, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ, પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ, આધુનિક લાઈબ્રેરીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ શાળામાં વૃક્ષોનું પ્રમાણ એટલું છે કે, આ પટાંગણ જ ગ્રીન કેમ્પસ બની ગયું છે. ઈનડોર- આઉટડોર ગેમ્સમાં શાળાના બાળકો રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના પરિણામે દીકરીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

SHARE

Related stories

Latest stories