તા.૮મી જૂન :વિશ્વ મહાસાગર દિવસઃ
બ્લુ ઈકોનોમીને વેગ આપવા સાગરખેડૂઓને સુરતની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે
સુરત જિલ્લાના મત્સ્ય લાભાર્થીઓને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧.૩૪ કરોડની સાધન-સહાય આપવામાં આવી
સુરત જિલ્લો ૩૬ કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવે છે
આ વર્ષની થીમ “Planet Ocean: Tides are Changing” અંતર્ગત તા.૮ જૂન એટલે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી પાછળનો હેતુ માનવ જીવનમાં સમુદ્રના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે, પૃથ્વીની લગભગ ૭૦ ટકા સપાટી મહાસાગરોથી ઢંકાયેલી છે. આપણા જીવનમાં મહાસાગરોની ભૂમિકા અગત્યની છે. મહાસાગરો દરિયાઈ નાના-મોટા દરિયાઈ જીવોનું આશ્રયસ્થાન છે.
બ્લુ ઈકોનોમીને વેગ આપવા માટે સમુદ્રમાંથી માછલીઓ પકડી મત્સ્યપાલન કાર્ય કરતા સાગરખેડૂઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલ મૂકી છે. સુરતની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા મત્સ્યપાલકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧.૮૯ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧.૫૯ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧.૩૪ કરોડનો ખર્ચ કરી લાભાર્થીઓને સાધન-સહાય આપવામાં આવી છે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીમતી બિંદુબેન આર.પટેલે જણાવ્યું કે, સુરત જિલ્લામાં દરિયાકાંઠાની લંબાઈ ૩૬ કિ.મી છે, દરિયાઈ મત્સત્ય લેન્ડિંગ કેન્દ્રો ૬, ભરતીવાળા મત્સ્ય કેન્દ્ર ૧૪, નદીના મત્સ્યકેન્દ્ર ૪૨, ડેમ-જળાશય કેન્દ્રો ૫ છે. સુરત જિલ્લામાં કુલ રજિસ્ટર્ડ માછીમારોની સંખ્યા ૨૮,૯૯૫ છે, જેમાં ૧૦,૬૫૩ સક્રિય માછીમારો છે. ૧૬૯ માછીમાર બોટ, ૧૪૧ યાંત્રિક બોટ, ૨૬ બિનયાંત્રિક બોટ છે. ૦૧ આઈસ ફેક્ટરી, ૦૧ બોટ બિલ્ડીંગ યાર્ડ, ૦૩ ફ્રિજીંગ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. સુરત જિલ્લામાં ૨૩ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ છે, જેના ૧૮૯૯ સભ્યો છે. સુરત જિલ્લામાં વલણ અને કાકરપાર એમ બે મત્સ્યદ્યોગ કેન્દ્ર છે. પીપોદરા અને કોસમાડા બે સ્થળ પર મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલા છે.
બિંદુબેને જણાવ્યું કે, મત્સ્યોદ્યોગને મુખ્ય ત્રણ વિભાગ; આંતરદેશીય મત્સ્યોઉદ્યોગ (મીઠા પાણીનો મત્સ્યોદ્યોગ), ભાંભરા પાણીનો મત્સ્યોદ્યોગ(ઝીંગા ઉછેર) અને દરિયાઈ મત્સ્યોદ્યોગમાં વહેંચવામાં આવ્યો છે.
આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં મત્સ્ય બીજ ઉત્પાદન, સ્થાનિક માછીમાર યુવાનો દ્વારા મત્સ્યબીજનો ઉછેર(ગ્રામ્ય રોજગારી), ગ્રામ્ય તળાવોમાં મત્સ્યોદ્યોગ(સ્થાનિક માછીમારોને રોજગારી) અને સ્થાનિકો દ્વારા છુટક મત્સ્ય વેચાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.
ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગમાં રાજ્ય સરકારની પોલિસી મુજબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ મારફતે જમીન ફાળવણી, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એક્ટ મુજબ એક્વાકલ્ચર ફાર્મનું રજિસ્ટ્રેશન, આનુષાન્ગિક માળખાકીય સવલતો જેવી કે રોડ, વીજલાઈન, પીવાનું પાણી પૂરૂ પાડવું. લાભાર્થીઓને ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠે માછલીઓનું પ્રમાણ ઘણીવાર ઓછું જણાતા કેન્દ્રીય મત્સ્ય વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આર્ટિફિશીયલ રિફ્ટ, સી રેન્ચિંગ અને કેજ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે
માછીમારો માટે સરકારની અઢળક કલ્યાણકારી યોજનાઓ
. . . . . . . . . . . . . . .
દરિયાઈ મત્સ્યોદ્યોગમાં પરંપરાગત માછીમારોને સહાય (પગડીયા માછીમાર સહાય, નાની હોડીઓ માટે, બહારના યંત્રો માટે સહાય, ગીલનેટની ખરીદી પર સહાય), સલામત અને નફાકારક મત્સ્યોદ્યોગ (લાઈફ સેવિંગના સાધનો તથા જી.પી.એસ, ફિશફાઈન્ડર જેવા આધુનિક સાધનો પર સહાય), આધુનિક સાધનો જેવા કે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ, સોલાર લેન્ટર્ન, સી.એલ.એફ. વગેરે પર સહાય, પાકિસ્તાન કસ્ટડીમા રહેલ માછીમારોના કુંટબોને આર્થિક સહાય, માછીમારોને ડિઝલની ખરીદી ઉપર ચૂકવેલ વેટની રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત, ઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસિન ખરીદી, મત્સ્યપાલન પ્રક્રિયા, જાળવણી અને ખરીદ વેચાણ, ખરીદ વધારાની યોજના, માછીમાર મહિલાને હાથલારીની ખરીદી, મત્સ્યોદ્યોગ સ્થાપવા પ્રોસેસિંગ યુનિટની ખરીદી, આઈસ પ્લાન્ટ, કોલ્ડસ્ટોરેજ અને ફિશ માર્કેટ સ્થાપવા, પ્રધાનમંત્રી મસ્ત્ય સંપદા યોજના હેઠળ રેફ્રિઝરેટર વાન, ડીપફ્રિઝર, ઈન્સ્યુલેટેડ વ્હીકલનો લાભ આપવામાં આવે છે. ઉપરાંત, બોટ રજિસ્ટ્રેશન, મત્સ્યોદ્યોગ સ્થાપવા માટેની લાયસન્સ આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.