HomeGujaratInternation Yoga day/India News Gujarat

Internation Yoga day/India News Gujarat

Date:

આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણીના સંદર્ભે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આયોજન અર્થે બેઠક યોજાઈ

૧.૨૫ લાખ લોકો એક સાથે યોગમય બનશે

આગામી તા.૨૧મી જૂન- આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરતના આંગણે થશે

વિશ્વને ભારતીય સંસ્કૃતિની દેન સમી યોગવિદ્યા આજે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામી છે, ત્યારે આગામી તા.૨૧મી જૂન- આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે, જેના આયોજનના ભાગરૂપે યુવા, સાંસ્કૃતિક, રમતગમત અને ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા, મહાનગરપાલિકા, યોગબોર્ડના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સ, યોગક્ષેત્રે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, યોગદિન નિમિત્તે ભારત જ નહી, પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં વ્યાપક કાર્યક્રમો કરીને લોકો યોગદિનની ઉજવણી કરે છે. રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે સૌ કોઈ યોગમાં જોડાય તે જરૂરી છે. આગામી નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિનનો રાજયકક્ષાનો કાર્યક્રમ સુરતના આંગણે યોજાનાર છે, ત્યારે ૧.૨૫ લાખથી વધુ લોકો એક સાથે યોગદિનમાં જોડાશે, આ કાર્યક્રમને સફળ બનાવવા સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
સુરતમાં યોગદિન ખાસ બની રહે તે માટે કોઈ મેદાનના બદલે આઈકોનિક એવા વાય જંકશન પર ત્રણેય બાજુએ પાંચ કિલોમીટર સુધીના રસ્તા પર યોગની ઉજવણી થાય તે માટેનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને મંત્રીએ સૂચના આપી હતી. સુરતથી એક મેસેજ સમગ્ર વિશ્વમાં પહોંચે અને ઘરે-ઘરે લોકો યોગ કરતા થાય તે માટે કાર્ય કરવાની હિમાયત કરી હતી.
મંત્રીએ કહ્યું કે, આ ઉજવણીમાં અલગ-અલગ બ્લોક વિભાજન કરીને બાળકો, સગર્ભા મહિલાઓ, દિવ્યાંગો, ઋષિઓની વેશભૂષા, પરિધાન સાથે લોકો યોગમય થશે. યોગદિનમાં વધુને વધુ લોકો જોડાય, લોકજાગૃતિ આવે, યોગથી વિમુખ લોકોને યોગ પ્રત્યે સક્રિય કરવા અને સુરત સહિત દેશના ખુણે ખુણે યોગ પહોચે તે માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.
યોગદિનની ઉજવણી સંદર્ભે જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ, ગાર્ડનોમાં યોગ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવશે.
આ બેઠકમાં ઈ.જિલ્લા કલેકટર બી.કે.વસાવા, ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી, યોગબોર્ડના ઓ.એસ.ડી. ત્રિવેદી, શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ડી.એચ.પરમાર, સુરત રેન્જના એડિશનલ ડી.જી.પી. પિયુષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા તેમજ યોગક્ષેત્રે કાર્ય કરતી આર્ટસ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી સહિતની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories