સુરત સર્કિટ હાઉસ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ
અધિકારીઓને માનવીય અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કરતા સાંસદ
સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે મીઠીખાડી, કોયલીખાડી, વરસાદી પાણીની લાઈન, જેટકોની લાઈન, રોડ-રસ્તા, આરોગ્ય, વિજળી, દબાણો જેવા લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સાંસદએ અધિકારીઓને માનવીય અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કર્યો હતો. લોકપ્રશ્નોના નિવારણ માટે પોતે હરહંમેશ પ્રતિબદ્ધ છે એમ જણાવતાં કોઈ પણ વ્યક્તિ લોકહિતને સ્પર્શતા પ્રશ્નો લઈને વિનાસંકોચે આવી શકે છે. સમસ્યાઓ અને રજૂઆતોને પૂરતો ન્યાય આપવા લોકસેવક તરીકે તેઓ તત્પર છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
તેમણે બેઠકમાં મીઠીખાડી અને કોયલી ખાડીની સ્વચ્છતાની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને અને જેટકો લાઈનનું ઝડપભેર કામગીરી પુર્ણ થાય એ માટે જેટકોના અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં અનેક ફુટપાથ પર દબાણ કરતાં ફેરિયાઓના દબાણ હટાવવા, મીઠીખાડી અને કોયલીખાડીની આજુબાજુમાં ગેરકાયદે વસવાટ કરી રહેતાં લોકોના દબાણ દુર કરવા માટે સુચના આપી હતી. મનપાના અધિકારીઓને સમયાંતરે સ્થાનિક વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોને ઝડપથી નિવારવાનો અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય એ માટે લોક સમસ્યાઓના નિવારણને સરકારે પ્રાથમિકતા આપી છે, ત્યારે વોર્ડના પ્રમુખ-મંત્રી-કોર્પોરેટરઓ તેમજ જાગૃત લોકોને લેખિતમાં પોતાની રજૂઆત આપવા અને આ રજુઆતોને ન્યાય આપવા, સમાસ્યાઓનું નિરાકરણ કરવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ વોર્ડના પ્રમુખઓ, મંત્રીઓ, કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યાં હતા.