Siddaramaiah Take Oath : કર્ણાટકમાં કોંગ્રેસને મળેલી જંગી જીત અને ઘણા દિવસોના મંથન પછી સિદ્ધારમૈયા શનિવારે રાજ્યના 30મા મુખ્ય પ્રધાન તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરશે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદના શપથ લેશે જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ઉલ્લેખનીય છે કે આ બે નામ મુખ્યમંત્રી પદની રેસમાં હતા, પરંતુ આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ તરીકે શિવકુમારનું નામ ફાઈનલ કર્યું. કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ આવ્યા હતા. કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ અને ડેપ્યુટી સીએમની સાથે 28 મંત્રીઓ શપથ લઈ શકે છે. પાર્ટી હવે સરકારની રચનામાં વિલંબ કરવા માંગતી નથી. યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેને હાઈકમાન્ડ દ્વારા મંજૂરી આપવામાં આવશે. બાદમાં સામેલ કરવા માટે લગભગ ચાર કેબિનેટ મંત્રી પદ ખાલી રાખવામાં આવી શકે છે.
સિદ્ધારમૈયા અને શિવકુમાર આજે બપોરે 12.30 વાગ્યે પોતપોતાના પદના શપથ લેશે. સિદ્ધારમૈયા બીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી 14 મેના રોજ સીએલપીની બેઠક મળી હતી, જે દરમિયાન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને નવા મુખ્યમંત્રી નક્કી કરવા માટે અધિકૃત કરતો એક લીટીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે દિવસે આવેલા ત્રણ કેન્દ્રીય નિરીક્ષકોએ પણ ધારાસભ્યોના મંતવ્યો લીધા, જે તેમણે ખડગે સાથે શેર કર્યા.