HomeGujaratWorld Nursing Day/સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ફરજની સાથે પિડીયાટ્રીક વોર્ડમાં દાખલ નવજાત બાળકોને...

World Nursing Day/સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ફરજની સાથે પિડીયાટ્રીક વોર્ડમાં દાખલ નવજાત બાળકોને માતાનું વાત્સલ્ય પૂરૂ પાડી રહ્યા નર્સ નિકિતાબેન પટેલ/India News Gujarat

Date:

સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ફરજની સાથે પિડીયાટ્રીક વોર્ડમાં દાખલ નવજાત બાળકોને માતાનું વાત્સલ્ય પૂરૂ પાડી રહ્યા નર્સ નિકિતાબેન પટેલ

એન.આઈ.સી.યુ. પિડીયાટ્રીક વોર્ડ મારૂ બીજું ઘર બની ગયું છે: નર્સ નિકિતાબેન પટેલ
એન.આઈ.સી.યુ.ની ફરજ દરમિયાન નવજાત બાળકો સાથે આત્મીયતા બંધાઈ ગઈ છે
મિલ્ક બેન્કમાં મિલ્ક ડોનેટ કરીને જરૂરિયાતમંદ, માતાવિહોણા બાળકોને પોષણ મળે એ માટેના સેવાકાર્યમાં સહભાગી બની રહી છું:નિકિતાબેન પટેલ

વર્ષ ૧૯૬૭ થી સરકારી નર્સિંગ કોલેજ-સુરતમાંથી ૨૮૦૦ થી વધુ નર્સ બહેનો નર્સિંગ સેવામાં જોડાઈ છે

૨૦૦ વર્ષ પહેલાં ઈ.સ.૧૮૨૦માં આજના દિવસે વિશ્વની સૌથી પ્રખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઈટિંગેલનો બ્રિટિશ પરિવારમાં જન્મ થયો હતો. તેમને મૉડર્ન નર્સિંગના પ્રણેતા માનવામાં આવે છે. દર વર્ષે તા.૧૨ મે ના રોજ ફ્લોરેન્સ નાઈટિંગેલની જન્મજયંતિને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દર્દીને સ્વસ્થ કરવામાં, નવજીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય એટલું જ એક નર્સનું પણ હોય છે. નર્સ દિવસ નર્સિંગ કર્મયોગીના અમૂલ્ય યોગદાનને સમર્પિત છે. આવા જ એક સમર્પિત નર્સ છે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિકિતાબેન પટેલ. નિકિતાબેન નર્સિંગ ફરજની સાથે એનઆઈસીયુ પિડીયાટ્રીક વોર્ડમાં દાખલ નવજાત બાળકોને માતાનું વાત્સલ્ય પૂરૂ પાડી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સરી બુજરંગ ગામના નર્સ નિકિતાબેન સિવિલમાં છેલ્લા ૭ વર્ષથી તબીબો સાથે વિવિધ વોર્ડમાં દર્દીઓની સેવાસુશ્રુષા કરી રહ્યા છે, તેઓ છેલ્લા ૨ વર્ષથી એનઆઈસીયુ પિડીયાટ્રીક વોર્ડમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.
નિકિતાબેન પટેલે જણાવ્યું હતું કે, મેં દાહોદ નર્સિંગ કોલેજથી જીએનએમ (જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી) નર્સિંગ કોર્ષ કરી આરોગ્ય ક્ષેત્રે નર્સિંગની શરૂઆત કરી હતી. હાલ એનઆઈસીયુમાં વોર્ડની ફરજ દરમિયાન નવજાત બાળકો સાથે આત્મીયતા બંધાઈ ગઈ છે. ૭ મહિના પહેલા હું પણ માતા બની છું એટલે માતા-બાળકનું જોડાણ અને લાગણીશીલ ખેંચાણ મેં પણ અનુભવ્યું છે. એટલે જ એનઆઈસીયુમાં દાખલ બાળકો સાથે માતૃત્વ-પ્રેમ બંધાઈ ગયો છે. એટલે જ્યાં બાળકો સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ ન થાય ત્યા સુધી કાળજીપૂર્વક સતત મોનિટરીંગ અને સારવાર-સેવા કરીએ કરીએ છીએ. એનઆઈસીયુમાં દાખલ બાળકો માટે વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરની સારસંભાળની જરૂર પડે છે, અને ખાસ તાલીમ મેળવવી જરૂરી હોય છે. જ્યારે બાળકની માતા નવજાત બાળકો સાથે નથી હોતી, ત્યારે અમે જ આ બાળકોની માતા બની તેની સારસંભાળ રાખીએ છીએ.


તેઓ કહે છે કે, ઘણા કિસ્સામાં મહિલાઓને માતા બન્યા બાદ ફિડીંગ માટે દૂધ ન આવતું હોવાની વાત સાંભળીએ ત્યારે ઘણું દુ:ખ થતું હોય છે. કેમ કે જન્મજાત બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન હોય છે. એટલે જ સુરત સિવિલ હોસ્પિટલની કોમ્પ્રિહેન્સીવ લેક્ટેશન મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટરની મિલ્ક બેન્કમાં છેલ્લા બે મહિનાથી હું મિલ્ક ડોનેટ કરૂ છું. જે રીતે મારા બાળકને માતાના દૂધની જરૂર હોય છે, એ જ રીતે ઘણા જરૂરિયાતમંદ, માતાવિહોણા બાળકોને અમારા મિલ્ક ડોનેશનથી પોષણ મળે છે.
વધુમાં નિકિતાબેને કહ્યું હતું કે, એનઆઈસીયુ વોર્ડના બાળકોની માતાની ભૂમિકા નિભાવી દરરોજ બેબીને મિલ્ક આપવું, ક્લિન કરવું, એન્ટિબાયોટિક સહિતની દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખીએ છીએ. કેમ કે, એક માતા જ પોતાના બાળકની વેદના-સંવેદના સમજી શકતી હોય છે. ઓછા વજન સાથે જન્મેલા બાળકોને ‘કાંગારૂ મધરકેર (કેએમસી) થેરાપી’ કરાવીએ છીએ. જેવી રીતે કાંગારૂ તેના બચ્ચાને કોથળીમાં રાખે છે, તેવી જ રીતે નવજાત શિશુને માતાની છાતી સાથે વળગાડી રાખવાથી હૂંફ મળવાની સાથે સાથે યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થાય છે. જેમાં બેબીનું વજન વધારવા માટે બેબીના માતા કે પરિવારના મહિલા સભ્યોના આલિંગન સાથે સ્પર્શ કરાવીને બાળકોને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એનઆઈસીયુ પિડીયાટ્રીક વોર્ડ મારૂ બીજું ઘર બની ગયું છે એમ તેઓ અહોભાવથી જણાવે છે.
નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતની સૌ પ્રથમ સરકારી નર્સિંગ કોલેજ-સુરતમાંથી છેલ્લા ૫૬ વર્ષમાં ૨૮૦૦ થી વધુ નર્સ બહેનો નર્સિંગનો અભ્યાસ કરીને સમગ્ર દેશમાં આરોગ્યક્ષેત્રે સવિશેષ સેવા આપી રહી છે. રાજ્યમાં સરકારી નર્સિંગની એએનએમની 30 કોલેજ, જીએનએમની ૨૪ કોલેજ, એનપીએમની ૬ કોલેજ, એનપીસીસીની એક કોલેજ મળીને કુલ ૭૬ કોલેજ કાર્યરત છે. નર્સિંગમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક મેરિટ આધારિત સિલેક્શન થયેલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રહેવા તથા અભ્યાસની સવલતો પૂરી પાડવામાં આવી રહી છે

SHARE

Related stories

Latest stories