HomeGujaratInternational Midwife Day/તા.૫મી મેઃઆંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ/India News Gujarat

International Midwife Day/તા.૫મી મેઃઆંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ/India News Gujarat

Date:

તા.૫મી મેઃઆંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ

નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ’ની ઉજવણી: જ્ઞાનવર્ધક સેમિનાર યોજાયો

માતા-બાળકની સુરક્ષામાં અને માતાને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવા ડોકટરોની સાથે મિડવાઈફ અને નર્સો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઃ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ

નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ(એનપીએમ) પ્રોગ્રામના પ્રારંભથી ગુજરાતમાં સિઝેરીયનનું પ્રમાણ ૮ ટકા ઘટ્યું છેઃ ડો.સંધ્યાબેન છાસટીયા

મે-‘આંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે નવી સિવિલના ઓડિટોરિયમ ખાતે ‘માતા અને બાળકના સ્વાસ્થ્યમાં મિડવાઈફની ભૂમિકા’ વિષય પર રસપ્રદ સેમિનાર યોજાયો હતો.
સોસાયટી ઓફ મિડવાઈવ્સ ઈન્ડિયા(SOMI)-દ.ગુજરાત ચેપ્ટરના સહયોગથી આયોજિત આ સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ દર વર્ષે મિડવાઈફના કાર્યને ઓળખવા માટે તેમજ પ્રસુતા માતાઓ અને તેમના નવજાત શિશુઓને પૂરી પાડવામાં આવતી આવશ્યક સંભાળમાં મિડવાઈફની ભૂમિકા અંગે વધુ જાગૃતિ લાવવા માટે મનાવાઈ છે. ગર્ભાવસ્થાથી લઈ બાળકના જન્મ સુધી માતા અને બાળકની સુરક્ષાની સાથે માતાને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવામાં ડોકટરોની સાથે મિડવાઈફ અને નર્સોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. મિડવાઈફ અને નર્સો એક દર્દીની બહેન અને દિકરીની જેમ તેમના પરિવારના સભ્ય તરીકે ફરજ નિભાવે છે, જેથી દર્દીનો પરિવાર ચિંતામુક્ત રહી શકે છે.
આરોગ્ય ક્ષેત્રે નર્સ અને મિડવાઈફના યોગદાનને બિરદાવી, આરોગ્ય અધિકારીશ્રીએ કોરોનાકાળમાં વિશેષ સેવા બજાવનાર તમામ કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયગાળા દરમિયાન નર્સિગ સ્ટાફ, તબીબો અને કલાસ-૪ના કર્મચારીઓએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની નિ:સ્વાર્થ ભાવે સેવા અને કર્તવ્ય નિભાવ્યું, જેના પરિણામે આમજનતાને સ્વસ્થ-સુરક્ષિત રાખવામાં સફળ થયા છીએ.
શહેરના જણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.સંધ્યાબેન છાસટીયાએ નર્સને આરોગ્યક્ષેત્રની કરોડરજ્જુ ગણાવી તબીબી ક્ષેત્રે નર્સ/મિડવાઈફના યોગદાનને બિરદાવતા કહ્યું કે, કરોડરજ્જુ વિના શરીરનો આધાર નથી. નર્સ અને મિડવાઈફો આરોગ્ય ક્ષેત્રના અભિન્ન અંગ બન્યા છે. તેમણે જણાવ્યું કે, નોર્મલ અને સિઝેરીયન બંન્ને ડિલિવરીમાં નર્સની અગત્યની ભૂમિકા છે. સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદ માતા તેમજ બાળકને વ્યક્તિગત સારવાર પૂરી પાડી માતા અને બાળમૃત્યુદર ઘટાડવામાં નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ(એનપીએમ) પ્રોગ્રામ અને તેનો અભ્યાસ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.


વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યભરમાં ૫૬૦ મિડવાઈફ છે, જે પૈકી ૩૬૦ પીએસચી, સીએચસી સહિતની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રસૂતિ સમયે ગાયનેક ડોક્ટર ઉપલબ્ધ ન હોય તેવા સંજોગામાં નોર્મલ ડિલિવરી કરવા માટે નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ પ્રોગ્રામ આશીર્વાદરૂપ સાબિત થાય છે. નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ પ્રોગ્રામ શરૂ થવાથી રાજ્યમાં સિઝેરીયનનું પ્રમાણ ૮ ટકા ઘટ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ સગર્ભા મહિલાને ખેંચ વધુ આવતી હોય ત્યારે સિઝેરીયન ડિલિવરી કરવાનું આવશ્યક બને છે, અન્ય સંજોગોમાં નોર્મલ ડિલિવરી કરવાના પ્રયાસોની તેમણે સમજ આપી હતી.
વધુમાં તેમણે નર્સને આપવામાં આવતી ‘સિસ્ટર’ની ઉપમા અને તેની સાર્થકતા સંદર્ભે કહ્યું કે, એક પરિવારમાં જે રીતે સિસ્ટર(બહેન) તમામ સભ્યોનું ધ્યાન રાખતી હોય છે તે જ રીતે હોસ્પિટલમાં દાખલ દર્દીને પોતાનો ભાઈ, પિતા, માતા અને બહેન બની તેઓ સૌની સેવા કરે છે. સાથે જ દર્દીના દુર્વ્યવહાર કે અણછાજતા વર્તન છતાં નર્સ એક સેવક તરીકે શાંતભાવે કાઉન્સેલિંગ કરી સારવાર આપવા હંમેશા તત્પર રહે છે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ એ મિડવાઈફ્સના મહાન યોગદાનને સન્માન કરવાનો પણ અવસર છે. તેમણે વર્ષ ૨૦૦૯-૧૦થી રાજ્યમાં કાર્યરત નર્સ પ્રેક્ટિસ ઈન મિડવાઈફ(એનપીએમ) કોર્સ વિષે માહિતી આપી જણાવ્યું હતું કે, રાજ્યની છ સરકારી અને એક ખાનગી કોલેજમાં ચાલતા આ કોર્ષની કુલ ૨૧૦ બેઠકો છે. નર્સિંગ ડિપ્લોમા કર્યા બાદ આ કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે. ગુજરાતમાં આ કોર્સ શરૂ કરતા પહેલા વર્ષ ૨૦૦૭માં રાજ્ય નર્સિંગના તજજ્ઞોએ સ્વિડન જઈ ટ્રેનિંગ લીધી હોવાનું તેમણે કહ્યું હતું.
ફિમેલ હેલ્થ વર્કરો માટે સૌપ્રથમવાર આ સેમિનારનું આયોજન નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, સરકારી નર્સિંગ કોલેજના લેકચરર શ્રીમતી સીમારાની ચોપડા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાયનેક વિભાગના ડો.અંજલિ શ્રીવાસ્તવ, ડો.ધ્વનિ દેસાઈ, જ્યોત્સનાબેન પંડ્યા, નર્સિંગ એસો.ના સભ્ય કિરણ દોમડીયા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories