Karnataka Election 2023 : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસ પર છે. રાજ્યમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેઓ અહીં 6 જાહેરસભાઓને સંબોધિત કરશે. આ સાથે બે જગ્યાએ રોડ શો પણ યોજાશે. મોદીના પ્રવાસ કાર્યક્રમ મુજબ, તેઓ શનિવારે સવારે દિલ્હીના બિદર એરપોર્ટ માટે વિશેષ ફ્લાઇટ લેશે. જે બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા બિદર જિલ્લાના હુમનાબાદ જશે. PM મોદી સવારે 11 વાગ્યે તેમની પ્રથમ જાહેરસભાને સંબોધશે.
સવારે 11 કલાકે વિજયપુરા ખાતે જાહેરસભાને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે પોતાની પ્રથમ જાહેરસભાને સંબોધ્યા બાદ વિજયપુરા જશે. જ્યાં તેઓ બપોરે એક વાગ્યે તેમની ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જે બાદ પીએમ મોદી લગભગ 2.45 વાગ્યે બેલાગવી જિલ્લાના કુડાચીમાં જનસભાને સંબોધિત કરશે. આ સાથે PM મોદી સાંજે બેંગ્લોર નોર્થમાં રોડ શો કરશે.
બેંગ્લોરમાં રાત્રી રોકાણ
પીએમ મોદી બેંગલુરુમાં રાત્રિ રોકાણ કરશે. જે બાદ તેઓ બીજા દિવસે રવિવારે સવારે રાજભવનથી કોલાર જવા રવાના થશે. જ્યાં PM મોદી સવારે 11.30 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. તેઓ બપોરે 1.30 વાગ્યે રામનગર જિલ્લાના ચન્નાપટનામાં એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યાંથી તેઓ હાસન જિલ્લાના બેલુર જવા રવાના થશે. જ્યાં વડાપ્રધાન મોદી બપોરે 3.45 કલાકે ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી રવિવારે સાંજે મૈસૂરમાં રોડ શો કરશે. આ કાર્યક્રમો બાદ પીએમ મોદી વિશેષ વિમાનમાં મૈસુરથી દિલ્હી જવા રવાના થશે.