સગીર યુવતીને વિધર્મી યુવક ભગાડી જતાં હોબાળો
પોલિસે મામલાની ગંભીરતા જોતાં તુરંત કાર્યવાહી કરી
સગીર યુવતીને શોધી પોલિસે પરિવારને સોંપી
રોષે ભરાયેલા ટોળાએ હોબાળો કરતાં પોલીસ દોડતી થઈ
ઓલપાડમાં સગીર વયની કિશોરીને ભગાડી લઈ ગયેલા મુસ્લિમ યુવકને પોલીસે ઝડપી પાડ્યા બાદ ગત રાત્રીએ બે જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતુ. આ ઘટનાની જાણ થતાં જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઓલપાડમાં થોડા દિવસો અગાઉ હિંદુ સમાજની યુવતીને એક વિધર્મી યુવક ભગાડી લગ્ન કરી લેવાની ઘટના બની હતી. ત્યારે હિંદુ સંગઠનો સક્રિય બની ઓલપાડ ટાઉનમાં ફરીવાર લવ જેહાદની ઘટના ન બને તે માટે લોક જાગૃતિ લાવવા દરેક સમાજના આગેવાનો સાથે બેઠક હાથ ધરી. ત્યારબાદ મંગળવારે સાંજે ફરી ઓલપાડ ખાતે રહેતા હિંદુ પરિવારની સગીરાને વિધર્મી સગીર યુવક ભગાડીને લઈ જવાની ઘટના બની હતી. ઓલપાડ માંથી એક મહિનાના ટૂંકા સમય ગાળામાં વિધર્મી યુવકો દ્વારા બે હિંદુ યુવતીને ભગાડી લઈ જવાની ઘટના બનતા લોકોમાં રોસ જોવા મળ્યો હતો. આ મામલે કાર્યવાહીની માંગ સાથે લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશને ધસી આવી રજુઆત કરી હતી. જેથી ઓલપાડ પી.આઈ.એ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક અસરથી પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા પોલીસની ટીમોને કામે લગાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં સગીર વયના કિશોરને પકડી પાડી કિશોરીને તેના પરિવારને સોંપી હતી. ત્યારબાદ ગતરોજ રાત્રીના સમયે ૧૫ થી ૨૦ જણ યુવકના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ અફવાનો બજાર ગરમ થતા બે ટોળા સામસામે આવી ગયા હતા. આ અંગેની માહિતી ઓલપાડ પોલીસને મળતા ઓલપાડ પોલીસનો સ્ટાફ અને જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી હિતેશ જોયસર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમય સુચકતા સાથે બન્ને ટોળાને વિખેરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેતા માહોલ શાંત થયો હતો.
જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી હિતેશ જોયસરએ લોકોને અફવાઓ થી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. આ સાથે આ ઘટનામાં સામેલ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.