ક્યુબાના આરોગ્ય પ્રધાન જોસ એનજેલ પોર્ટલે એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું હતું કે જૂના હવાનામાં 19મી સદીની હોટલના કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધ ચાલુ હોવાથી ઘાયલોની સંખ્યા વધી શકે છે.
ક્યુબાની રાજધાની હવાનાની મધ્યમાં આવેલી એક લક્ઝરી હોટલમાં કુદરતી ગેસ લીક થવાને કારણે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં બાળકો સહિત 22 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. હવાનાના ગવર્નર રેનાલ્ડો ગાર્સિયા ઝપાટાએ કમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્રાનમાને જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે 96 રૂમની સારાટોગા હોટેલમાં કોઈ પ્રવાસીઓ ન હતા કારણ કે સમારકામ ચાલી રહ્યું હતું. – INDIA NEWS GUJARAT
આરોગ્ય મંત્રાલયના હોસ્પિટલ સેવાઓના વડા ડો. જુલિયો ગુએરા ઇઝક્વીર્ડોએ જણાવ્યું હતું કે શુક્રવારના અકસ્માતમાં 74 લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલયના ટ્વીટ અનુસાર ઘાયલોમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. ડિયાઝ-કેનેલે જણાવ્યું હતું કે વિસ્ફોટથી પ્રભાવિત હોટલની નજીકની ઇમારતોમાં રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.- INDIA NEWS GUJARAT
ક્યુબાની સરકારી ટીવી ચેનલે જણાવ્યું હતું કે વિસ્ફોટ એક ટ્રકને કારણે થયો હતો જે હોટલને કુદરતી ગેસ સપ્લાય કરી રહી હતી. જોકે, ચેનલે એ જણાવ્યું નથી કે ગેસ કેવી રીતે સળગ્યો હતો. દુર્ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં ફાયર ફાઈટર સફેદ ટેન્કર ટ્રક પર પાણીનો છંટકાવ કરીને તેને સ્થળ પરથી હટાવતા જોઈ શકાય છે. વિડિયોમાં એવું પણ જોવા મળે છે કે વિસ્ફોટને કારણે હોટલમાં ચારે તરફ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આમાં ગભરાયેલા લોકો રસ્તા પર દોડતા જોવા મળે છે. – INDIA NEWS GUJARAT